'વાયુ' વાવાઝોડું ખેડૂતો માટે સાબિત થશે વરદાન સમાન

17 June, 2019 09:12 AM IST  |  અમદાવાદ

'વાયુ' વાવાઝોડું ખેડૂતો માટે સાબિત થશે વરદાન સમાન

'વાયુ' વાવાઝોડું ખેડૂતો માટે સાબિત થશે વરદાન સમાન

ચક્રવાત વાયુ આજે કચ્છ પાસેથી પસાર થશે. એક સમયે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહેલું વાયુ બાદમાં ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. વાયુના કારણે રાજ્યમાં ચોમાસું પાછું ઠેલાયું હતું. જો કે આ વાવાઝોડું ખેડૂતો માટે વરદાન સમાન સાબિત થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થશે. વાયુના કારણે વરસાદ થતા જળાશયોમાં નવા નીરની કેટલેક અંશે આવક થઈ છે. વરસાદનો લાભ લઈને ખેડૂતોએ પણ ખરીફ પાકની વાવણીની શરૂઆત કરી દીધી છે.

હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે વરસાદ પડશે. જેના કારણે પાકને ફાયદો મળશે.

ગીર સોમનાથના ખેડૂતોએ તો વાવણી શરૂ કરી દીધી છે. ખેડૂતોએ મગફળી, કપાસ સહિતના પાક વાવવામાં આવી રહ્યા છે. જો ધાર્યો વરસાદ પડી જશે તો ખેડૂતોને પાક સારો ઉતરશે તેવી આશા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યારે તેમણે વરસાદની આગાહી સાંભળી ત્યારે તેમણે તેમના ખેતર ખેડીને તૈયાર રાખ્યા હતા.

ખેતીવાડી વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, "જિલ્લામાંથી આવતા આંકડાઓ પ્રમાણે આ વરસાદ ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતો માટે લાભકારક સાબિત થશે. વરસાદની સાથે જ તેમણે વાવણી શરૂ કરી દીધી છે. અને તેમાં પણ એક કે બે દિવસ થોડો તડકો નિકળશે તો પાક માટે વધુ અનુકુળ સંજોગો થશે. અમને આશા છે કે આ મહિનાના અંત સુધીમાં ચોમાસું આવી જશે."

આ પણ વાંચોઃ જૂનાગઢમાં વરસાદે વિરામ લેતાં ખેડૂતોએ વિધિવત પૂજા કરી વાવણીની શરૂઆત કરી

શું છે વાયુના હાલ?
હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજ્ય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીનાં પૂરતાં પગલાં લેવાઈ રહ્યા છે. પંકજકુમારે નાગરિકોને કોઈ પણ જાતનો ભય મનમાં નહીં આણવાની અપીલ કરતાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ રાજ્ય સરકારના નિયંત્રણમાં છે.

ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાએ ઓમાન તરફ ફરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, શુક્રવારે મોડી રાત્રે વાવાઝોડાએ યુ- ટર્ન માર્યો હોય એમ કચ્છ તરફ આગળ વધવા લાગ્યું છે જેથી તંત્ર ફરી અલર્ટ થઈ ગયું છે.

ahmedabad gujarat