ગુજરાત પર 'વાયુ'નો ખતરોઃ સલામત રહેવા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન

11 June, 2019 02:10 PM IST  |  ગાંધીનગર

ગુજરાત પર 'વાયુ'નો ખતરોઃ સલામત રહેવા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન

વાવાઝોડા સમયે સલામત રહેવા આટલી વાતોનું રાખો ધ્યાન

વાયુ વાવાઝોડાના કારણે તેજ ગતિથી પવન ફુંકાવાની અને ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં સલામત રહેવા માટે વાવાઝોડા પહેલા નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખો.

તમારા મોબાઈલ ફોનને ચાર્જ રાખો
વાવાઝોડાની આગાહી તંત્રએ કરી જ દીધી છે. આવા સમયમાં સંપર્ક જાળવી રાખવા માટે તમારા ફોનને ચાર્જ કરી રાખો જેથી કટોકટીના સમયમાં તેનો ઉપયોગ કરી શકાય. ઈન્ટરનેટ ન હોય તો SMSનો ઉપયોગ કરો.


તમારા જરૂરી દસ્તાવજો અને વસ્તુઓ સલામત રાખો
વાવાઝોડાની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આવા સમયે તમારા જરૂરી દસ્તાવેજોને પલળી જતા કે ખરાબ થઈ જતા બચાવવા માટે અને કટોકટીના સમયે કામ આવે તે માટે તેને પ્લાસ્ટિકમાં રાખીને સલામત જગ્યાએ રાખો. દસ્તાવેજો એવી જગ્યાએ સાચવો જ્યાંથી તમને જરૂર પડે ત્યારે તરત જ મળી જાય.


ઈમરજન્સી કિટ તૈયાર કરો
કટોકટીના સમયે કામ આવી શકે તેવી એક કિટ તૈયાર કરો. જેમાં ટોર્ચ, ફર્સ્ટ એઈડ બોક્સ, હળવું જમવાનું, પાણી, માચિસ જેવી જરૂરી વસ્તુઓ હોય.


જો તમે બહાર હોવ તો
વાવાઝોડા કે ભારે વરસાદ સમયે તમે બહાર હોવ તો સૌથી પહેલા સલામત આશ્રય શોધો. આસપાસ વૃક્ષ, વીજળીના થાંભલા ન હોય તેનું ધ્યાન રાખો. જર્જરિત દીવાલ કે ઈમારતનો આશરો ન લો. સ્થિતિ થોડી સામાન્ય ન થાય ત્યાં સુધી નીકળાની ઉતાવળ ન કરો.


અફવાઓથી દૂર રહો
કુદરતી આફત દરમિયાન અફવાઓથી દૂર રહો. માત્ર ભરોસાપાત્ર માહિતી પર જ વિશ્વાસ કરો. સમાચારો જોતા રહો જેનાથી સાચી માહિતી મળે. સોશિયલ મીડિયા પર આવતા સંદેશાઓ પર વિશ્વાસ ન કરો.

વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડું પસાર થઈ ગયા બાદ આટલી વાતોનું ધ્યાન રાખો

વીજળી, ગેસનો સપ્લાય બંધ કરો

વાવાઝોડા દરમિયાન ભૂલ્યા વગર વીજળી અને ખાસ કરીને ગેસનો સપ્લાય બંધ કરી દો. ભારે પવન અને વરસાદના કારણે શોર્ટ સર્કિટ જેવી ઘટના થવાની સંભાવના રહે છે.

બારી, દરવાજા બંધ રાખો
વાવાઝોડા દરમિયાન ઘરના બારી અને દરવાજા બંધ રાખો. કુતુહલવશ બહાર નીકળવાનો પ્રયાસ ન કરવો.

આ પણ વાંચોઃ 'વાયુ' વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર તૈયાર, NDRFની ટીમો રવાના


સલામત જગ્યા શોધો
જો તમારું ઘર અસલામત હોય તો વાવાઝોડા પહેલા જ સલામત જગ્યાએ ખસી જાઓ. જર્જરિત કે જૂના ઘરમાં ન રહેવું જોઈએ.

શુદ્ધ પાણી પીઓ


વરસાદ અને વાવાઝોડા બાદ પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના રહેતી હોય છે. જેથી શુદ્ધ કરેલું પાણી જ પીઓ.

gujarat