મહા ૨૦૧૯નું ચોથું વાવાઝોડું, હવે પછીનું બુલબુલ હશે

04 November, 2019 10:25 AM IST  |  અમદાવાદ

મહા ૨૦૧૯નું ચોથું વાવાઝોડું, હવે પછીનું બુલબુલ હશે

મહા વાવાઝોડાની અસર

૧૨ જૂને ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યાર બાદ હિક્કા અને ક્યાર પછી હવે ‘મહા’ વાવાઝોડાએ દસ્તક દીધી છે. ઓમાને વાવાઝોડાને ‘મહા’નામ આપ્યું છે. હવે પછી જે વાવાઝોડું સક્રિય થશે એનું નામ ‘બુલબુલ’હશે. પાકિસ્તાને વાવાઝોડાનું નામ બુલબુલ આપ્યું છે. ૮ દેશોએ વાવાઝોડાનાં કુલ ૬૪ નામ આપ્યાં છે. ૨૦૦૪માં વાવાઝોડાને નામ આપવાની પરંપરા શરૂ થઈ હતી.

અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાનું નામ રાખવાની પ્રથા ૧૫ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૪થી શરૂ થઈ હતી. એ માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં આઠ દેશ સામેલ છે. આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાનાં છે. જ્યારે જે દેશનો નંબર આવે છે ત્યારે એ દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાંનું નામકરણ કરવામાં આવે છે.

ફાયર ઍન્ડ ઇમર્જન્સી વિભાગ સતર્ક, કન્ટ્રોલ રૂમ શરૂ

આગામી ૬ નવેમ્બર સવારથી ૭ નવેમ્બર દરમિયાન મહા વાવાઝોડાની મહત્તમ અસર દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સંભવિત પરિસ્થિતિમાં શહેરમાં રાહત-બચાવની કામગીરી માટે ફાયર ઍન્ડ ઇમર્જન્સી વિભાગ, રોશની વિભાગ તેમ જ જ્યુબિલી કન્ટ્રોલ રૂમને અલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર ઉપરોક્ત દિવસો દરમિયાન ૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા પણ હોઈ વાવાઝોડાની પરિસ્થિતિને લક્ષમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી ખાતે રાઉન્ડ ધ ક્લૉક કાર્યરત કન્ટ્રોલ રૂમમાં ફોન-નં. ૦૨૮૧-૨૨૨૮૭૪૧ અને ૨૨૨૫૭૦૭ પર નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે.

આ પણ વાંચોઃ મહા સાયક્લોન: મહાનુકસાન તો પાકું જ છે

જો ‘મહા’ને કારણે વરસાદ આવ્યો તો ગુજરાતમાં સૌથી મોટી નુકસાની કૃષ‌િ ઉત્પાદનોએ જોવી પડશે. અત્યારે ઘઉં-બાજરી ખેતરમાં છે. વરસાદ વચ્ચે એ પાકનું ધોવાણ થશે તો તૈયાર થઈ ગયેલી મગફળી પણ નેસ્તનાબૂદ થાય એવી શક્યતાને નકારી ન શકાય, જ્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકને પણ મોટું નુકસાન થાય એવી સંભાવના છે

gujarat Gujarat Rains