Covid-19:ગુજરાતમાં ડાકોર અને દ્વારકાના મંદિરો અઠવાડિયા માટે બંધ, ચોટીલા મંદિર ખુલ્લુ પણ...

17 January, 2022 12:30 PM IST  |  Mumbai | Harish Bhimani

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધતાં જગત મંદિર અને બેટ દ્વારકા 17થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દ્વારકા મંદિર

રાજ્યભરમાં કોરોનાના વધતા કેસને પગલે  કેટલાક જાહેર સ્થળો પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. એમાં હવે  વિવિધ મંદિરોને એક અઠવાડિયા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના પ્રસિદ્ધ મંદિરના વ્યવસ્થાપકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ વધતાં જગત મંદિર અને બેટ દ્વારકા 17થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બહુચરાજી મંદિર પણ એક અઠવાડિયામાટે બંધ રહેશે, જ્યારે ડાકોર અને શામળાજી મંદિર 1 દિવસ માટે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ચોટીલા માતા ચામુંડા મા નું મંદિર ખુલ્લુ રહેશે પરંતુ આરતી દરમિયાન મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.

કોરોના કેસ વધતા કેમ્પ હનુમાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય કરાયો.

જો શક્તિપીઠ બહુચરાજી મંદિરની વાત કરીએ તો તે પણ આજથી 22  જાન્યુઆરી સુધી બંધ રહેશે.પૂનમને લઇને મોટી સંખ્યામાં યાત્રિકો મંદિરમાં બહુચર માતાના દર્શન માટે આવતા હોય છે…જો કે કોરોના સંક્રમણના વધુ નહીં ફેલાય તે માટે નિર્ણય લેવાયો હતો.

રાજ્યમાં દિનપ્રતિદિન કોરોના કેસ વધતાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં અને ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં 150 વ્યક્તિ એકત્રિત થઈ શકશે એવાં કડક નિયમો પણ 22 તારીખ સુધી લાગુ કરવામાં આવ્યાં છે. 

સોમવારે પોષી પૂર્ણિમા એટલે માં અંબાનો પ્રાગટ્યોત્સવ છે. જોકે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને અંબાજી મંદિર ભક્તો માટે બંધ છે. આ સાથે  શોભાયાત્રા અને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. મંદિરમાં પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ ભગવાન શ્રીજીની પૂજા અને આરતી કરશે. તેમજ ભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

gujarat gujarat news covid19 dakor dwarka