કોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી?

20 September, 2020 07:42 AM IST  |  Rajkot | Rashmin Shah

કોરોનાનો અસર: રાજકોટ દેશમાં સૌથી વધારે જોખમી?

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું શહેર અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જીવનનું પહેલું ઇલેક્શન જ્યાંથી લડ્યા હતા એ શહેર રાજકોટ છેલ્લા ૨૦ દિવસથી કોરોનાની બરાબર હડફેટે ચડ્યું છે. રાજ્યસભાના સભ્ય એવા અભય ભારદ્વાજ કોવિડ-સંક્રમિત છે અને સિરિયસ છે, તો બીજેપી સાથે સંકળાયેલા ૧૫થી પણ વધારે સિ‌નિયર નેતાઓ કોવિડ-સંક્રમિત છે. ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટના ચીફ સેક્રેટરી જયંતી રવિ પોતે છેલ્લા એક મહિનામાં ૭થી પણ વધુ વખત રાજકોટ આવી ગયા છે, તો સામા પક્ષે શહેરનાં ૪૦થી વધુ અસોસિએશન સ્વૈચ્છિક લૉકડાઉનના રસ્તે છે અને દેશભરની વિખ્યાત સોનીબજારે ઑલરેડી લૉકડાઉન શરૂ કરી દીધું છે અને છતાં કોરોનાના પેશન્ટ કન્ટ્રોલમાં આવવાનું નામ નથી લેતા. આજે જ્યારે દેશનો ‌રિકવરી રેટ ૭૮.પ૩ ટકા છે ત્યારે રાજકોટમાં રિકવરી રેટ ૭૪.૬૩ ટકા છે, જે દેખાડે છે કે કોરોના રાજકોટમાં બેકાબૂ બન્યો છે. અફસોસની વાત એ છે કે આવી અવસ્થા વચ્ચે પણ ગુજરાતના હેલ્થ ડિપાર્ટમેન્ટના એક સિનિયર ઑફિસરે ‘મિડ-ડે’ સાથેની ઑફ ધ રેકૉર્ડ વાતમાં કહ્યું કે હજી ૧૫ દિવસ રાજકોટ માટે જોખમી છે. જો આ વાત સાચી પુરવાર થાય તો આવનારા દિવસોમાં રાજકોટની અવસ્થા કેવી થાય એની કલ્પના કરી શકાય છે.

ગઈ કાલે ૧૨ કલાકમાં રાજકોટ શહેરમાં ૪૮ નવા કેસ આવ્યા હતા, જ્યારે કોવિડને કારણે ૨૩ વ્યક્તિનાં મોત થયાં હતાં. વધી રહેલા કેસ વચ્ચે શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં આઠ વિસ્તારમાં ૯૦ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જેને લીધે શહેરના ૩૯૩ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન બન્યા છે તો સાથોસાથ શહેરને અન્ય હાઇવે સાથે જોડતા હાઇવે પર હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમને પણ બેસાડવામાં આવવાની છે, જે શહેરમાં પ્રવેશતા તમામ લોકોની કોવિડ-ટેસ્ટ કરશે અને એ પછી જ તેમને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.

જે સમયથી શહેરના પ્રવેશદ્વાર પર કોરોના-ટેસ્ટ શરૂ થશે એ સમયે રાજકોટ દેશનું પહેલું એવું શહેર બનશે જેમાં પ્રવેશ પહેલાં કોરોના-ટેસ્ટ કમ્પલ્સરી હોય.

gujarat rajkot coronavirus covid19 lockdown Rashmin Shah