અરે બાપરે, સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી આ‍વી ગઈ કોરોનાની ઝપટમાં

30 June, 2020 07:49 AM IST  |  Surat | Shailesh Nayak

અરે બાપરે, સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી આ‍વી ગઈ કોરોનાની ઝપટમાં

ફાઈલ તસવીર

કોરોના મહામારીમાં ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાનું સામે આવતાં ગુજરાતનો આરોગ્ય વિભાગ અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન હરકતમાં આવ્યાં છે અને રત્નકલાકારો–કારીગરોનું હેલ્થ-સ્ક્રીનિંગ હાથ ધર્યું છે. સુરતનાં નાનાં-મોટાં સંખ્યાબંધ હીરાનાં કારખાનાંઓમાં કામ કરતા રત્નકલાકારો કોરોનાની ઝપટમાં આવતાં કૉર્પોરેશન અને હીરાઉદ્યોગની ચિંતા વધી છે, એટલું જ નહીં, સુરતમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઈને ગઈ કાલે સુરતના મ્યુનિસિપલ કમિશનરે કતારગામ, વરાછા અને સરથાણા વિસ્તારમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મોડી રાત્રે સુરતના નૉર્થ ઝોનના તમામ ડાયમન્ડ યુનિટ્સ અઠવાડિયા માટે બંધ રાખવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનરે આપ્યો હતો.

રત્નકલાકારોમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વિશે ચિંતા વ્યક્ત કરતાં સુરત ડાયમન્ડ અસોસિએશનના પ્રમુખ બાબુભાઈ કથીરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રત્નકલાકારોમાં કોરોના-સંક્રમણ વધ્યું છે એ મોટી ચિંતાનો વિષય છે. એની પાછળનાં કારણો એવાં છે કે રત્નકલાકારો જુદા-જુદા વિસ્તારોમાંથી આવે છે એટલે ત્યાં પણ સંક્રમણ હોઈ શકે. બીજું એ કે ડાયમન્ડનું એક પડીકું ૧૦થી ૧૨ જગ્યાએ ફરે છે. એ પછી જે-તે ઘંટીમાં જાય છે. ઘંટીમાં હીરો જોવા માટે રત્નકલાકારે હીરાને મોઢા પાસે લઈ જવો પડે છે. હીરો મોઢા પાસે જાય જેવાં બધાં કારણોસર કોરોના-સંક્રમણ વધ્યું હોવાની શક્યતા રહેલી છે. છેલ્લા એક અઠવાડિયાથી સંક્રમણ વધ્યું છે એમાં મૅજોરિટી કતારગામમાં છે, કેમ કે ત્યાં હીરાનાં કારખાનાં વધુ છે.’

તેમણે વધુમાં કહ્યું કે ‘સુરતમાં નાનાં-મોટાં મળીને ચારથી પાંચ હજાર હીરાનાં કારખાનાં હશે અને પાંચથી છ લાખ રત્નકલાકારો હશે. ઓવરઑલ સુરતમાં ૧૦થી ૧૨ લાખ લોકો હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે.’

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા પંદરેક દિવસમાં પ૦૦થી વધુ રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ થયું હશે. કતારગામ અને વરાછામાં રત્નકલાકારોના કેસ વધુ છે.’

સુરતમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગઈ કાલે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવાયું છે કે સુરત શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણને લઈને સુરત મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન-એ વરાછા, ન્યુ ઈસ્ટ ઝોન-બી સરથાણા, નૉર્થ ઝોન – કતારગામ તથા કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા તમામ વિસ્તારોમાં આવેલી તમામ ખાણીપીણીની લારીઓ પર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરું છું.

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પણ રવિવારે જાહેર કર્યું હતું કે સુરત શહેરમાં વધી રહેલા કોવિડ–19 કેસને ધ્યાનમાં લઈને સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વિવિધ ડાયમન્ડ યુનિટોમાં કામ કરતા રત્નકલાકારો–કારીગરોનું હેલ્થ-સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૨૧ ટીમે મળીને ૧૪૬ ડાયમન્ડ યુનિટોમાં ૧૭,૧૦૫ કારીગરોનુ હેલ્થ-સ્ક્રીનિંગ કર્યું હતું. આ રત્નકલાકારોને પ્રોફાઇલેક્ટિવ દવા પણ પૂરી પાડવામાં આવી છે. અગામી સમય દરમ્યાન ડાયમન્ડ યુનિટમાં કામ કરતા તમામ રત્નકલાકારોનું હેલ્થ-સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવશે.

ડાયમન્ડનું એક પડીકું ૧૦થી ૧૨ જગ્યાએ ફરે છે અને એ પછી જે-તે ઘંટીમાં જાય છે. ઘંટીમાં હીરો જોવા માટે રત્નકલાકારે હીરાને મોઢા પાસે લઈ જવો પડે છે. હીરો મોઢા પાસે જાય અને એવાં બધાં કારણોસર સંક્રમણ વધ્યું હોવાની શક્યતા રહેલી છે. છેલ્લા એક અઠવાડિયાથી સંક્રમણ વધ્યું છે.

- બાબુભાઈ કથીરિયા, સુરત ડાયમન્ડ અસોસિએશનના પ્રમુખ

surat gujarat coronavirus covid19 lockdown shailesh nayak