અમદાવાદમાં કોંગ્રેસના એક નેતાએ કોરોનાને આપી માત, તો બીજા નેતાનું મૃત્યુ

27 April, 2020 11:09 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદમાં કોંગ્રેસના એક નેતાએ કોરોનાને આપી માત, તો બીજા નેતાનું મૃત્યુ

બદ્દરુદ્દીન શેખ (ડાબે) અને ઈમરાન ખેડાવાલા

કોરોના વાયરસ (COVID-19)એ ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે. રોજબરોજ આંકડાઓમાં વધારો થતો જ જાય છે. દરમ્યાન ગુજરાતે કોરોનાના કોંગ્રેસના એક નેતા ગુમાવી દીધા છે. તો બીજી બાજુ કોંગ્રેસના એક નેતાએ કોરાનાને માત આપી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા 65 વર્ષીય બદ્દરુદ્દીન શેખનું રવિવારે મોડી રાત્રે અવસાન થયું હતું. જ્યારે કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના સામેની જંગમાં વિજય થયો હતો.

કોંગ્રેસના બદ્દરુદ્દીન શેખનું એસવીપી હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે કોરોનાના કારણે અવસાન થયું હતું. બદ્દરુદ્દીન શેખ અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ છેલ્લા 8 દિવસથી એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દાખલ થયા બાદ બીજા જ દિવસથી શેખને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દરમ્યાન તેમની કિડની પર અસર થતા દર બે દિવસે ડાયાલિસિસ પણ કરવામાં આવતું હતું. તેમને ડાયાબિટીસ, હાર્ટની તકલીફ, સ્થૂળતા વગેરે બીમારીઓ પણ હતી. કોરોનાને લીધે તેમનું મૃત્યુ થતા પરિવારજનો અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, ગુજકરાત કૉંગ્રેસનાં નેતા તથા બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કૉંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રધ્ધાંજલી પણ આપી હતી.

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો 14 એપ્રિલના રોજ કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા છેલ્લા 11 દિવસથી અમદાવાદની એસવીપી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર બાદ બે રીપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. અત્યારે તેમની તબિયત પણ સારી છે. મળતી માહિતિ મુજબ, તેમણે રિપોર્ટ કરાવ્યા બાદ મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, અન્ય નેતાઓ, અનેક અધિકારીઓ અને પત્રકારોને મળ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા બધા જ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ઈમરાન 14 દિવસ હૉમ ક્વોરન્ટાઈનમાં રહેશે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,301 કેસ નોંધાયા છે

coronavirus covid19 gujarat ahmedabad Gujarat Congress