કોરોના બ્લાસ્ટ : 24 કલાકમાં વિક્રમજનક 8134 કેસ

31 May, 2020 03:04 PM IST  |  New Delhi | Agencies

કોરોના બ્લાસ્ટ : 24 કલાકમાં વિક્રમજનક 8134 કેસ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં એક તરફ લૉકડાઉન-4માં વધારો કરવાની તૈયારીઓ સાથે જાણે એકાએક કોરોના વાઇરસનો બૉમ્બ ફૂટ્યો હોય એમ છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૩૪ કેસ બહાર આવતાં હાહાકાર મચી ગયો છે. એની સાથે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૬૫ દર્દીઓનાં મોત થયાં છે. કેસ અને મોતનો આંકડો અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આવતી કાલે ૩૧ મેએ લૉકડાઉન-4ની મુદત પૂરી થઈ રહી છે અને નવી ગાઇડલાઇન સાથે લૉકડાઉન-5ની જાહેરાતની પૂર્વસંધ્યાએ જ કેસો અને મોતનો આંક ભયજનક માનવામાં આવી રહ્યો છે. લૉકડાઉન ખૂલવાના સમયે જ કેસ વધારે બહાર આવતા હોવાની પણ એક પૅટર્ન જોવા મળી રહી છે. દર્દીઓના કેસમાં ભારત દુનિયાના ૯મા નંબરે પહોંચી ગયું છે. હાલમાં અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત દેશ તરીકે ભારતની ગણના કરવામાં આવી રહી છે. જોકે ભારતમાં કોરોના રિકવરી રેટ વધીને ૪૭ ટકા સધી પહોંચી ગયો છે. દરમ્યાનમાં લૉકડાઉન વચ્ચે બીજેપીએ આજે મોદી સરકાર 2.0ના એક વર્ષની ઉજવણી લૉકડાઉનના નિયમોના પાલન સાથે કરી હતી.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને રોકવા માટે ૨૫ માર્ચે લાગુ કરાયેલા લૉકડાઉન-1 હવે લૉકડાઉન-5 એટલે કે પાંચમા તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે ત્યારે એકાએક કેસની સંખ્યા વધી જતાં સત્તાવાળાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. શું આ કમ્યુનિટી સંક્રમણનો અતિ ખતરનાક તબક્કો તો નથીને? એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે. આ તબક્કો સૌથી ભયાનક અને ચરમસીમા સમાન મનાય છે, જેમાં કોઈને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.

સૂત્રોએ કહ્યું કે વધેલા કેસની સંખ્યા સાથે દેશભરમાં અત્યાર સુધી ૧,૭૩,૪૯૧ લોકો સંક્રમિત થયા છે અને ૪૯૮૦ લોકોનાં મોત થયાં છે. સાથે જ અત્યાર સુધી ૮૨,૬૨૭ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ભારતમાં જોકે હવે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે-ધીમે વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાઇરસનો રિકવરી દર ૪૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૨૬૪ લોકો સાજા થયા છે. જે સ્વસ્થ્ય થનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ સાજા થનાર દર્દીઓનો આ આંકડો વધીને ૮૨,૩૬૯ સુધી પહોંચી ગયો છે. જોકે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૫ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

ઑક્ટોબર મહિના સુધી કોરોનાની વૅક્સિન તૈયાર થઈ જશે એવો દાવો: ફાઇઝર કંપનીએ આશાનું કિરણ બતાવ્યું

કોરોના વાઇરસની વૅક્સિન તૈયાર કરવા માટે હવે વધુ એક કંપનીએ વિશ્વને આશાનું કિરણ બતાવ્યું છે. વાયગ્રા જેવી દવાઓની શોધ કરનાર અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરે ચાલુ વર્ષ દરમ્યાન ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં તેમની કોરોના વૅક્સિન બનીને તૈયાર થઈ જશે એવો દાવો કર્યો છે.

ફાઇઝરના સીઈઓ આલ્બર્ટ બુર્લાએ જણાવ્યું કે ‘જો બધું સરખી રીતે ચાલશે અને નસીબ સાથ આપશે તો ઑક્ટોબરના અંત સુધીમાં વૅક્સિન તૈયાર થઈ જશે. એક ગુણકારી અને સુરક્ષિત વૅક્સિન માટે તેઓ ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે.’

new delhi national news coronavirus covid19 lockdown