જો લૉકડાઉનનું પાલન નહીં કરો તો વધુ વિસ્તારો સીલ કરાશે: આરોગ્ય સચિવ

08 April, 2020 12:44 PM IST  |  Gandhinagar | Agencies

જો લૉકડાઉનનું પાલન નહીં કરો તો વધુ વિસ્તારો સીલ કરાશે: આરોગ્ય સચિવ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના વાઇરસે હવે જાણે કે ખરેખર મહામારીનું મહા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એમ પૉઝિટિવ કેસનો આંકડો ૧૬૫ પર પહોંચી ગયો છે. એમાં પણ અમદાવાદમાં સ્થિતિ એટલી ગંભીર છે કે જો લૉકડાઉનનો પૂરેપૂરો અમલ નહીં થાય તો હજી વધુ વિસ્તારો હૉટ સ્પોટ બની શકે છે. અમદાવાદ સહિત કુલ દોઢ લાખની વસ્તી પૉઝિટિવ કેસો વધતાં રીતસર કેદમાં પુરાઈ ગઈ છે. આ વિસ્તારોના લોકોને બહાર નીકળવાની કે કોઈને અંદર જવાની મનાઈ છે. તેમને ખોરાક વગેરેની વ્યવસ્થા મનપાના સત્તાવાળાઓ સંભાળી રહ્યા છે. એકલા અમદાવાદમાં આવા ૮ હૉટ સ્પોટ છે. આ ઉપરાંત સુરતમાં ૬ વિસ્તારના લોકોને ફરજિયાત હોમ-ક્વૉરન્ટીનનો આજે આદેશ અપાયો છે. આ વિસ્તારમાં લગભગ ૩૧,૦૦૦ની વસ્તી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ મીડિયાને આપેલી માહિતીમાં લૉકડાઉનનો ભંગ કરનારને કડક ચેતવણી આપતાં કહ્યું કે જેઓ લૉકડાઉનમાં વગર કારણે ફરી રહ્યા છે તેમને બીજાનો ચેપ લાગી શકે છે. અમદાવાદમાં ૧૪,૦૦૦ની વસ્તીને, ભાવનગરમાં ૯૦,૦૦૦ની વસ્તીને, રાજકોટમાં ૩૦૦૦ની વસ્તીને અને સુરતમાં ૩૧,૦૦૦ની વસ્તીને સીલ કરી દેવામાં આવી છે. આ વિસ્તારો કોરોના રોગના હૉટ સ્પોટ બની ગયા છે. નવાં શહેરોમાં આણંદ અને સાબરકાંઠામાં પણ કોરોના કેસ નોંધાયા છે. હૉટ સ્પોટ ઍક્શન પ્લાન હેઠળ આ વિસ્તારોમાં કેદ લોકોની દિવસમાં ૩ વાર તબીબી તપાસ થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૧૯ નવા કેસ નોંધાયા છે જેમાં ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં ૧૩ નવા કેસ નોંધાતાં કુલ કેસ ૭૭ થયા છે, જ્યારે પાટણમાં આજે વધુ એક કોરોના વાઇરસથી મોત નીપજતાં રાજ્યમાં મૃત્યુઆંક ૧૩એ પહોંચ્યો છે. કુલ કેસમાંથી ૧૨ લોકોનાં મોત થયાં છે અને ૨૧ લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. અમદાવાદમાં આજે નવા કેસો બોડકદેવ, જુહાપુરા, સોલા અને દરિયાપુરના નોંધાયા છે. તો રાજ્યમાં સૌથી વધુ કોરોનાના દરદી એક પછી એક અમદાવાદમાં સામે આવી રહ્યા છે. આ કેસમાં જુહાપુરામાં કેસની સંખ્યા વધતી જાય છે. નવા કેસમાં જુહાપુરામાં છ કેસ નોંધાયા છે તો નવા વિસ્તારમાં હવે અમદાવાદનો સોલા રોડ વિસ્તાર પણ ઉમેરાયો છે. સોલા રોડમાં પારસનગર વિસ્તારમાં રાજેન્દ્રસિંઘ નામના શખસને કોરોના છે. તો બોડકદેવ વિસ્તારમાં સોનલબહેન નામની પ૯ વર્ષની મહિલા ઉપરાંત મોનલબહેન શાહ પણ કોરોનાના દરદી બન્યાં છે. તો દેવપ્રીત અપાર્ટમેન્ટનાં રીટાબહેન ધ્રુવનો પણ કોરોના પૉઝિટિવ આવ્યો છે.

તેમણે કહ્યું કે આજે એક પણ મૃત્યુ થયું નથી. આજે એક વ્યક્તિને રજા આપવામાં આવી છે. ૧૨૬ જેટલા લોકો સ્ટેબલ છે. ૪ વ્યક્તિને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં ૩ નવા પૉઝિટિવ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૦૪૦ ટેસ્ટ કરી છે. આજે એક પણ મૃત્યુ થયું નથી.

કોરોનાના ભરડામાં અમદાવાદ : બે કલાકમાં નોંધાયા ૧૩ કેસ

ગુજરાત માટે આજનો દિવસ ગંભીર બની ગયો છે જેમાં આજે એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી માત્ર આ આંકડો ૧૨થી ૧૫ની વચ્ચે જોવા મળતો હતો ત્યારે આજરોજ એક દિવસમાં ૧૯ કેસ સામે આવતાં તંત્ર ચોંકી ઊઠ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ એક જ દિવસનો અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો સામે આવ્યો છે.

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. આજે અમદાવાદમાં વધુ ૧૩ નવા કેસ નોંધાયા છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. સોમવારે અમદાવાદમાં ૧૧ કેસ નોંધાયા હતા, આજે ૧૩ કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ૩૦ જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હૉટ સ્પોટ બની રહ્યું છે જેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં ૧૫ લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે, જ્યારે ૨૭ આંતરરાજ્ય અને ૩૫ લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

gujarat gandhinagar coronavirus covid19