રાજસ્થાનની ગુજરાત સાથેની બૉર્ડર 31 માર્ચ સુધી સીલ કરાઈ

24 March, 2020 12:19 PM IST  |  Ahmedabad | Agencies

રાજસ્થાનની ગુજરાત સાથેની બૉર્ડર 31 માર્ચ સુધી સીલ કરાઈ

બૉર્ડર

રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બૉર્ડરો સીલ કરી દીધી છે. ગુજરાતથી આવતા જતા એક પણ વાહનને રાજસ્થાની હદમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો અટવાયા હતા. રાજસ્થાન સરકારે લૉકડાઉન કરતાં સરકારના અધિકારીઓ એનું ચુસ્તપણે પાલન કરી રહ્યા હતા. એના કારણે જ જે લોકો ગુજરાત તરફથી રાજસ્થાન જઈ રહ્યા હતા એ લોકો ફસાયા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈથી આવેલા લોકો રાજસ્થાનમાં પ્રવેશ ન અપાતાં અત્યારે મૂંઝવણમાં મુકાયા હતા.

કોરોના વાઇરસના સંકટને પગલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત ૧૦થી વધુ રાજ્યોનાં અનેક શહેરોમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં લોકો રસ્તા પર નીકળી લૉકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે પંજાબ સરકારે કડક કાર્યવાહી કરી છે. પંજાબના સીએમ કૅપ્ટન અમરિન્દર સિંહે સમગ્ર પંજાબમાં કરફ્યુ લગાડવાનો નિર્ણય કર્યો છે. અમરિન્દર સરકારની જાહેરાત મુજબ કરફ્યુ દરમિયાન કોઈ જ પ્રકારની છૂટછાટ ન આપવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ ઇમર્જન્સી સમયે જ લોકોને થોડી છૂટ મળશે એવા આદેશ આપ્યા છે. તો પંજાબથી સંલગ્ન રાજ્ય હરિયાણાના ૭ જિલ્લાઓમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે પણ લૉકડાઉનનું એલાન કર્યું છે. તેમણે કોરોના વાઇરસને પગલે આગામી આદેશ ન મળે ત્યાં સુધી લૉકડાઉન કરાશે એવી જાહેરાત કરી છે.

gujarat rajasthan coronavirus covid19