ગુજરાત: બાપુનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં બધા ટેન્શનમાં

23 June, 2020 07:52 AM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાત: બાપુનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં બધા ટેન્શનમાં

ભરત‌સિંહ સોલંકી

ગઈ કાલે સવારે ગુજરાત કૉન્ગ્રેસના નેતા અને રાજ્યસભામાં હારી ગયેલા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ગુજરાતના બીજેપી તથા કૉન્ગ્રેસના નેતાઓમાં સોપો પડી ગયો છે. શુક્રવારે રાજ્યસભાના ઇલેક્શન વખતે બીજેપી અને કૉન્ગ્રેસના ઑલમોસ્ટ તમામ નેતાઓ ભરતસિંહ બાપુને મળ્યા હતા, તો મોટા ભાગના સાથે ભરતસિંહે હાથ પણ મિલાવ્યા હતા. આવા સમયે ભરતસિંહ કોરોનાગ્રસ્ત થતાં વિધાનસભ્યો સહિત રાજ્યસભાના ઇલેક્શન વખતે હાજર રહેલા ઇલેક્શન કમિશનના તમામ અધિકારીઓને પણ કોરોનાનું ટેન્શન આવ્યું છે. ગુજરાતના સિનિયર નેતા એવા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ‘અત્યારના તબક્કે બધાના રિપોર્ટ કરાવવા જોઈએ જેથી વહેલી ખબર પડી જાય અને જરૂર જણાય તો સૌકોઈની સારવાર પણ શરૂ થઈ શકે.’

જો એવું લાગશે તો ગણતરીના કલાકોમાં ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા સૌકોઈને ક્વૉરન્ટીન થવાનો આદેશ આપવામાં આવશે અને સાથોસાથ કેન્દ્ર સરકાર પણ ઇલેક્શન કમિશનના જે અધિકારીઓ ગુજરાત આવ્યા હતા એ સૌને ક્વૉરન્ટીન કરવાનો આદેશ આપશે.

વાત માત્ર પૉલિટિશ્યન્સ કે ઑફિસર્સની નથી, પત્રકારોની પણ છે. ઇલેક્શનના કવરેજ માટે લગભગ ૩૬ જેટલા પ્રિન્ટ અને ટીવી-મિડિયાના જર્નલિસ્ટો હાજર રહ્યા હતા એ બધાને પણ હવે ટેન્શન થઈ ગયું છે.

હજી થોડા દિવસો પહેલાં જ આવી ઘટના મધ્ય પ્રદેશમાં ઘટી હતી. રાજ્યસભાના ઇલેક્શનમાં વોટિંગ કરવા આવેલા વિધાનસભ્યને કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં એ વિધાનસભ્ય જે ૨૬ વિધાનસભ્યોને મળ્યા એ સૌકોઈના કોરોના-રિપોર્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

gujarat rajkot Rashmin Shah coronavirus covid19 bharatiya janata party