અખબારથી વાઇરસ ફેલાતો હોવાની વાતો અફવા : ડબલ્યુએચઓ

25 March, 2020 07:33 AM IST  |  Gandhinagar | Agencies

અખબારથી વાઇરસ ફેલાતો હોવાની વાતો અફવા : ડબલ્યુએચઓ

પ્રતીકાત્મક તસવીર

આજના કોરોના યુગના સમયગાળામાં સોશ્યલ મીડિયા દ્વારા રોગચાળાને લઈને વિવિધ બનાવટી અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવતાં એની સામે સાવચેત રહેવાની અપીલ કરી છે, તો અખબારો દ્વારા કોરોનાનો રોગ ફેલાતો હોવાની ગેરસમજને કારણે ફેરિયાઓ દ્વારા વિતરણ નહીં કરવાના નિર્ણય સામે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ-હુ) દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આ માત્ર ને માત્ર અફવા છે. આજના સમયમાં અખબારોનું પ્રિન્ટિંગ અત્યાધુનિક ટેક્નૉલૉજી દ્વારા થઈ રહ્યું છે ત્યારે એનાથી માત્ર કોરોના જ નહીં, કોઈ પણ પ્રકારનો રોગ કે ચેપી રોગ ફેલાતો નથી. ફેરિયાઓએ એને ધ્યાનમાં રાખીને અખબારોનું વિતરણ સલામત એટલા માટે પણ છે, કેમ કે તેઓ ડોર ટુ ડોર જાય છે, પરંતુ કોઈના સંપર્કમાં આવ્યા વગર બહારથી જ અખબારો નાખીને નીકળી જાય છે એથી ફેરિયાઓએ પોતાના નિર્ણય વિશે ફેરવિચારણા કરવાની જરૂર છે, કેમ કે ખુદ મોદી સરકારે પણ દરેક સત્તાવાળાઓને સૂચના આપી છે કે પ્રિન્ટ મીડિયા સહિત સમાચારોનાં તમામ માધ્યમો વિનાઅવરોધ પોતાની ફરજ નિભાવી શકે એની કાળજી લેવાની તાકીદ કરી છે.

કોરોના વાઇરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશનાં ૨૩ રાજ્યોમાં લૉકડાઉન ચાલુ છે એટલે લોકો પોતાનાં ઘરમાં કેદ છે. તેમની પાસે જાણકારી મેળવવા અને સમય વિતાવવા ટીવી અને અખબારોના જ વિકલ્પો છે. આ દરમ્યાન એવી અફવા ફેલાઈ કે અખબારો થકી પણ કોરોના સહેલાઈથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ દાવો ખોટો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશ (હૂ)એ પણ એને અફવા ગણાવી છે.

gujarat gandhinagar