શુભ મંગલ સાવધાન: રાજકોટમાં એક દિવસમાં 400 મૅરેજની પરમિશન

28 May, 2020 07:27 AM IST  |  Rajkot | Rashmin Shah

શુભ મંગલ સાવધાન: રાજકોટમાં એક દિવસમાં 400 મૅરેજની પરમિશન

પ્રતાકાત્મક તસવીર

લૉકડાઉન વચ્ચે એપ્રિલ મહિનાનો લગ્નગાળો તો પસાર થઈ ગયો અને મે મહિનાના લગ્નગાળાના પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લૉકડાઉનમાં મળેલી છૂટછાટ વચ્ચે ફટાફટ મૅરેજ થવા માંડ્યાં છે. રાજકોટમાં ગઈ કાલે માસ્ક અને સૅનિટાઇઝેશનના નિયમો સાથે પચાસ જણની હાજરીમાં રુચિતા કામાણીનાં મૅરેજ પીયૂષ મેઘાણી સાથે થયાં. લૉકડાઉન પછીનાં આ પહેલાં લગ્ન છે જેની શરણાઈ સંભળાઈ. મજાની વાત એ છે કે રુચિતા અને પીયૂષનાં મૅરેજના સમાચાર વહેતા‍ થતાં જ લોકોએ મૅરેજની પરમિશનનો રીતસરનો ધસારો લગાવ્યો અને એક જ દિવસમાં ચારસો જેટલાં લગ્નની પરમિશન આપવામાં આવી. અફકોર્સ, આ લગ્ન લૉકડાઉન દરમ્યાનના તમામ નિયમોનું પાલન કરીને જ કરવામાં આવે એની બાંહેધરી પણ લેવામાં આવી છે.

રાજકોટના મવડી વિસ્તારમાં થયેલાં રુચિતા અને પીયૂષનાં લગ્નમાં બન્ને પક્ષનાં ફક્ત પચાસ સગાંવહાલાંઓ હાજર રહ્યાં હતાં. બાલાજી ફાર્મમાં કરવામાં આવેલાં આ મૅરેજમાં હાજર રહેલા સૌકોઈને સૅનિટાઇઝ કરીને જ મંડપ પાસે આવવા દેવામાં આવ્યા હતા.

બધા આવી જ ધારણા રાખીને અત્યારે મુરત સાચવીને પ્રસંગ પૂરો કરવાની વેતરણમાં છે. રાજકોટ જિલ્લામાં ચારસો લગ્નની પરમિશન લેવામાં આવી તો અંદાજે છસો જેટલાં લગ્નની પરમિશન હજી પેન્ડિંગ પડી છે.

લગ્ન માટે આપવામાં આવેલી આ છૂટછાટમાં વરઘોડો કે ફુલેકું કાઢવાની સ્ટ્રિક્ટ મનાઈ છે તો સાથોસાથ સંગીત સંધ્યા કે દાંડિયા રાસ રાખવાની પણ મનાઈ છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું અને સૅનિટાઇઝેશન કરવું ઉપરાંત દરેકના ચહેરા પર માસ્ક હોય એ પણ કમ્પલ્સરી છે. માસ્કને કારણે આખી વિધિ દરમ્યાન વર-વધૂએ માસ્ક પહેરી રાખવાના રહે છે એટલે આલબમમાં પણ માસ્કવાળા જ ફોટો જોવા મળશે. હા, ઘરમાં હો એવા સમયે ફોટોસેશન થઈ શકે અને એવા સમયે માત્ર ચાર જ વ્યક્તિ હાજર હોવી જોઈએ.

ધામધૂમ પછી પણ થઈ શકે છે. અત્યારે તો મુરત સચવાઈ જાય અને સુખરૂપ પ્રસંગ પૂરો થાય એ જ જોવાનું હોય. બહુ એવું લાગશે તો લગ્નને એક વર્ષ પૂરું થાય ત્યારે બધું સરખું ચાલતું હોય તો એ સમયે ધામધૂમ કરી લેવાની

- થોભણભાઈ મેઘાણી

gujarat rajkot coronavirus covid19 lockdown Rashmin Shah