કોરોનાનો અસર: લૉકડાઉનના લીધે ગુજરાતમાં રખાયું ડિજિટલ બેસણું

27 March, 2020 07:23 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

કોરોનાનો અસર: લૉકડાઉનના લીધે ગુજરાતમાં રખાયું ડિજિટલ બેસણું

ગઇકાલે પુંસરી ગામે મૃતક જયંતિભાઇ દરજીનું ડિજિટલ બેસણું રખાયું હતું. લેપટોપ અને કેમેરો ગોઠવીને બેસણા સ્થળે બેઠેલા સ્વજનો તસવીરમાં દેખાય છે.

કોરોનાના કહેર વચ્ચે મુંબઇના બે ભાઇઓએ તેમના પિતાનું અવસાન થતા આવકારદાયક અને અનુકરણીય પહેલ કરી છે.ગુજરામાં આવેલા પુંસરી ગામે પિતાનું મૃત્યુ થતાં ભાઇંદરમાં રહેતા બે ભાઇઓએ ગઇકાલે સ્વજનો અને ગામના અગ્રણીઓના સપોર્ટથી પુંસરી ગામે પિતાનું ડિજિટલ બેસણું યોજાયું હતું. જોકે આ બેસણામાં ગામે જવા માટે દીકરાઓ કોરોનાના કારણે મુંબઇમાંથી નિકળી નહી શકતા તેઓએ પિતાને ડિજિટલ માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પી હતી.એટલુ જ નહી પરંતુ મુંબઇ સહિત ગુજરાતમાં રહેતા અંદાજે ૨૫૦ જેટલા સગાંસંબંધીઓ તેમજ ગ્રામજનોએ ફેસબુકના માધ્યમથી ડિજિટલ બેસણામાં જોડાઇને મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભાઇંદર વેસ્ટમાં રહેતા મિલન દરજી અને તેમના ભાઇ નિલમ દરજીના પિતા જયંતિભાઇ મગનભાઇ દરજીનું પુંસરી ગામે તા.૨૫ માર્ચના રોજ અવસાન થયું હતું. કોરોના જેવા સંક્રમિત રોગના વાયરસના પગલે દેશમાં લૉકડાઉનની સ્થિતિ સર્જાતા બંન્ને ભાઈઓ મુંબઇમાં અટવાયા હતા અને પરિસ્થિતિ એવી સર્જાઇ કે પિતાની અંતિમક્રિયામાં ન જઇ શક્યા. કોરોનાનો પ્રકોપ દેશભરમાં ફેલાયો છે ત્યારે તે સંજોગોને ધ્યાનમાં રાખીને મન મક્કમ કરી કુટુંબમાં બનેલી આ અમંગળ ઘટના વચ્ચે સ્વજનો અને સ્નેહીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને ગામના અગ્રણીઓના સહકારથી પિતાનું બેસણું રાખવા માટે ભાઇઓએ એક પ્રસંશનીય પહેલ કરી હતી. પિતાનું બેસણુ યોજવાનું હોવાથી તેમાં સ્વજનો અને સ્નેહીજનો સ્વભાવિક રીતે ઉપસ્થિત રહે અને ગામે ગામથી મિત્ર સર્કલ તેમજ ગામના નાગરીકો પણ મોટી સંખ્યામાં બેસણામાં આવે. બીજી તરફ, કોરોનાનો વાઇરસ ફેલાવાની દહેશત રહેલી છે ત્યારે આવા મુશ્કેલીના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેસબુકના માધ્યમથી ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય કર્યો હતો. પુંસરી ગામ પંચાયતના આઇડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના આઇડી સાથે ફેસબુક પરથી બેસણું લાઇવ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે સવારે ઘરની બહાર બેસણાં સ્થળે લેપટોપ અને કેમેરો ગોઠવીને ગામ પંચાયતના ફેસબુક આઇડી અને મૃતકના ભત્રીજાના ફેસબુક આઇડી પરથી બેસણું લાઇવ કરવામાં આવ્યું હતું. ડિજિટલ માધ્યમથી મુંબઇમાં પોતાના ઘરેથી મિલન અને નિલમ દરજીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ ઉપરાંત મુંબઇ સહીત ગુજરાતમાં જુદા જુદા ગામો અને શહેરોમાં રહેતા અંદાજે ૨૫૦ જેટલા કુટુંબીજનો અને ગ્રામ્યજનોએ ફેસબુકના માધ્યમથી ડિજિટલ બેસણામાં જોડાઇને સ્વ.જયંતિભાઇ મગનભાઇ દરજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

મૃતક જયંતિભાઇ મગનભાઇ દરજી

ભાયંદરમાં રહેતા મૃતકના પુત્ર મિલન દરજીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતાજીને ડાયાબીટીસ હતો અને થોડી હાર્ટની તકલીફ હતી તેઓને હીંમતનગર હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્યાં હતા.છેલ્લા પાંચ દિવસથી અમે પિતાજીની પાસે ગામે જવા માટે ટ્રાય કરી રહ્યાં હતા પણ કોરોનાના કારણે અમે બંન્ને ભાઇઓ મુંબઇમાં ફસાઇ ગયા હતા.ગામે જવા માટે કોઇ ઓપ્શન નોહતો.આ દરમ્યાન તા.૨૫ માર્ચે પિતાનું નિધન થયું. અમને આઘાત લાગ્યો.કોરોનાના કારણે તેમની અંતિમ વિધીમાં અમે ના પહોંચી શક્યા.મારા કાકા નટુભાઇએ અને કુટુંબીજનોએ તા.૨૫ માર્ચે પિતાજીની અંતિમક્રિયા કરી હતી.પિતાનું બેસણુ રાખવાનું હતું ત્યારે ગામના આગેવાન હિમાંશુભાઇ પટેલે મને ફોન કરીને વાત કરી હતી કે કોરોનાનો વાયરસ છે ત્યારે તમે ત્યાં રહો, બેસણાની સગવડ કરી આપુ છું, તમે પિતાજીના બેસણાથી દુર છો તેવુ નહી લાગે તેમ કહીને ડિજીટલ બેસણુ કરવાની વાત કરી હતી અને ફેસબુક પરથી બેસણુ લાઇવ કરવાનું કહ્યું હતું.આ વાતને અમે અને ગામમાં રહેતા અમારા કુટુંબીજનોએ સ્વીકારી હતી અને ગઇકાલે મારા પિતાજીનું પુંસરી ગામે ડિજિટલ બેસણું યોજ્યું હતું.અમે પિતાજીને ડિજિટલના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પિ હતી અને અમે બંન્ને ભાઇઓ અને અમારા પરિવારે ઓનલાઇન રહીને પિતાજીના બેસણામાં હાજરી આપી હતી.’


કોરોનાના કારણે આપણે ભારતના નાગરિક તરીકે સહયોગ આપવો જોઇએ. ઘરેથી બહાર ન નિકળો. ખોટું રિસ્ક ન લો.અમને ગામના નાગરિકોનો સાથ મળ્યો અને કોરોનાના કારણે જે સંજોગો ઉભા થયા છે તેમાં હું પુત્ર હોવા છતાં ના જઇ શક્યો અને મુંબઈથી ઓનલાઇન ફેસબુકના માધ્યમથી બેસણામાં હાજર રહ્યો.

- મિલન દરજી

જયંતિભાઇનું ડિજિટલ બેસણું યોજાયુ તેમાં કોરોનાના કારણે ગામમાં કોઇને માટે મુશકેલી ના સર્જાય તે માટે બેસણા સ્થળે ચાર – પાંચ વ્યક્તિઓ અંતર રાખીને બેઠા હતા. લેપટોપ અને કેમેરા મુક્યા હતા અને બેસણું લાઇવ કર્યું હતું.નાગરીકો ડિજિટલ બેસણામાં જોડાઇને શ્રદ્ધાંજલિ આપી હતી.

નરેન્દ્રભાઇ પટેલ, પુંસરી ગામના અગ્રણી

bhayander shailesh nayak ahmedabad gujarat