સુરત ફફડ્યું: વિદેશથી આવેલા એ 42 લોકો ક્યાં ગુમ થયા?

01 April, 2020 07:26 AM IST  |  Surat | Tejash Modi

સુરત ફફડ્યું: વિદેશથી આવેલા એ 42 લોકો ક્યાં ગુમ થયા?

ફાઈલ ફોટો

કોરોના વાઇરસની દહેશત વચ્ચે હવે જે સમાચાર આવ્યા છે એ વધુ ભયભીત કરનારા છે. સુરત જિલ્લા આરોગ્ય વિભાગે વિદેશથી આવેલા ૪૨ લોકોની જે યાદી જાહેર કરી છે એ લોકો પોતાના આપેલા સરનામા પર નથી મળી રહ્યા. આ તમામ લોકો વિદેશથી આવ્યા બાદ ક્યાં ગયા છે એની કોઈ ખબર જિલ્લા આરોગ્ય વિભાગને નથી. હાલમાં આ તમામની શોધખોળ સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે, ત્યાં જ દિલ્હીના કાર્યક્રમમાં ગયેલા ૭૬ લોકોને પણ સુરત પાલિકા શોધી રહી છે.

વિદેશથી આવેલા યાત્રીઓએ ઍરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફૉર્મમાં સુરત જિલ્લાનું પોતાનું સરનામું જણાવ્યું હતું, પણ આ સરનામાના આધારે પાસપોર્ટ વિભાગે સુરત આરોગ્ય વિભાગને આ તમામનું નામ મોકલ્યું હતું. નામ મળ્યા બાદ જ્યારે આરોગ્ય વિભાગની ટીમ આ તમામના ઘરે પહોંચી ત્યારે આ તમામ લોકો નોંધાયેલા સરનામા પર મળ્યા નહોતા, જેથી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. આ ૪૨ વિદેશથી આવેલા લોકો હાલમાં ગુમ છે અને તેમની કોઈ જાણકારી આરોગ્ય વિભાગ પાસે નથી, જેથી સુરત જિલ્લા આરોગ્ય વિભાગે તેમની શોધખોળ આદરી છે.

સુરત જિલ્લાના વિદેશથી આવેલા ૪૨ લોકો ગુમ છે. પાસપોર્ટ-ઑફિસ દ્વારા વિદેશથી આવેલા લોકોની યાદી સેલ્ફ ડિક્લેરેશનમાં પોતાનું સરનામું સુરત આપ્યું હતું. આરોગ્ય ટીમની તપાસ દરમ્યાન આ તમામ વિદેશથી આવેલા ૪૨ લોકો ઘરે હાજર નહોતા. સરનામા પર તમામ લોકો હમણાં સુધી આવ્યા જ નથી, જેથી આ તમામ લોકોને શોધવા માટે જિલ્લાના આરોગ્ય વિભાગે યાદી જાહેર કરી છે. વિદેશથી આવ્યા બાદ આરોગ્ય વિભાગના સંપર્કમાં નથી એવા લોકોમાં બારડોલી તાલુકાના ૯, ચોર્યાસી તાલુકાના ૬, પલસાણા તાલુકાના ૧૬, ઓલપાડ તાલુકાના ૬, કામરેજ તાલુકાના બે અને માંગરોળ તાલુકાના ત્રણ રહેવાસીઓ આરોગ્ય વિભાગના સંપર્કમાં નથી. આ તમામ લોકો ક્યાં છે, કઈ સ્થિતિમાં છે એ તપાસ કરવાનું મહત્ત્વનું બની ગયું છે.

એક તરફ સુરત જિલ્લાના ૪૨ લોકો ગુમ થયા છે ત્યાં દિલ્હીની તબલગી જમાતના કાર્યક્રમમાં સુરતથી ૭૬ લોકો ભાગ લેવા ગયા હતા. મહાનગરપા‌લિના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે આવા તમામ લોકો વિશેની માહિતી મેળવવામાં આવી રહી છે. કમિશનરે એમ પણ કહ્યું હતું કે આ લોકો પોતાને હોમ-ક્વૉરન્ટીન કરે અને તેમની માહિતી પાલિકાના આરોગ્ય વિભાગને આપે જેથી તેમનો ઇલાજ થઈ શકે અને સાથે જ જો કોઈ પાસે તેમની માહિતી હોય તો ટોલ-ફ્રી નંબર પર જાણ કરી શકે છે.

surat gujarat coronavirus covid19