કોરોના વાઈરસનો ભય: હવે રાજકોટમાં ડબ્બા પેમેન્ટ

14 May, 2020 07:37 AM IST  |  Rajkot | Rashmin Shah

કોરોના વાઈરસનો ભય: હવે રાજકોટમાં ડબ્બા પેમેન્ટ

ડબ્બાથી પેમેન્ટ કરતી મહિલા

કરન્સી પર કોરોના વાઇરસ ચોંટી જાય છે એવી વાતો ફેલાતાં અનેક જગ્યાએ પેમેન્ટની લેતી-દેતીમાં પણ લોકોને ટેન્શન થવા માંડ્યું છે તો સામા પક્ષે નાના વેપારી પાસે કૅશલેસ થવું પણ શક્ય નથી. આવા સમયે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને વચ્ચેનો બુદ્ધિપૂર્વકનો રસ્તો કાઢીને ડબ્બા પેમેન્ટ શરૂ કર્યું છે. આ પેમેન્ટમાં કોઈએ એકબીજા સાથે કૅશ રૂપિયાની હાથોહાથ લેતી-દેતી કરવાની રહેશે નહીં. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે ‘અત્યારે લારીવાળા માટે આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. લારીવાળાએ બે ડબ્બા રાખવાના રહેશે. એક ડબ્બામાં આવેલા પૈસા રાખવાના અને બીજા ડબ્બામાં ચૂકવવાના પૈસા રાખવાના રહેશે. બન્ને પૈસા ૨૪ કલાક સુધી ભેગા નહીં કરવાનો ઑર્ડર પણ આપવામાં આવ્યો છે.’

વાત જરા સમજવા જેવી છે. ધારો કે એક વ્યક્તિએ શાકવાળા પાસેથી ૭૦ રૂપિયાનું શાક લીધું અને તેની પાસે પેમેન્ટ માટે ૧૦૦ રૂપિયાની નોટ છે તો તેણે પોતાના હાથે નોટ દેખાડીને પહેલા ડબ્બામાં ૧૦૦ રૂપિયાની નોટ નાખવાની અને એ પછી બીજા ડબ્બામાંથી ૩૦ રૂપિયા જાતે જ લઈ લેવાના. આવું કરવાથી શાકવાળા વેપારી અને ગ્રાહક વચ્ચે કોઈ જાતના સ્પર્શની આપ-લે થશે નહીં. ડબ્બા પેમેન્ટની સાથોસાથ રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને અમુક વિસ્તારોમાં શાક પણ પૅકિંગ સાથે વેચવાનું શરૂ કરાવી દીધું છે. ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ અને એક કિલોના પૅકમાં રહેલું શાક જ રસ્તા પર વેચી શકાય એવો નિયમ આખા શહેરમાં કોઈ પણ તબક્કે લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. આ નિયમ લાગુ કર્યા પછી છૂટું શાક વેચવાની મનાઈ થઈ શકે છે.

એકબીજા સાથે સ્પર્શ-સંપર્ક તૂટે એ માટે આ પ્રકારના નિયમ બનાવવામાં આવી રહ્યા છે.

gujarat rajkot Rashmin Shah coronavirus lockdown