ડાયમન્ડ માર્કેટમાં ખળભળાટ: 1 દિવસમાં 3 કોરોનાના દરદી

01 April, 2020 07:26 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ડાયમન્ડ માર્કેટમાં ખળભળાટ: 1 દિવસમાં 3 કોરોનાના દરદી

પ્રતીકાત્મક તસવીર

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ‍ બુર્સની વહીવટી કમિટીનો એક મેમ્બર તથા ડાયમન્ડના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય બે લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગતાં તેમને હૉસ્પિટલમાં ખસેડાયા હોવાના સમાચાર મળ્યા બાદ ગઈ કાલે હીરાબજારમાં ખળભળાટ મચી ગયો હતો. ડાયમન્ડ માર્કેટ લૉકડાઉન કરાયા પહેલાંથી બંધ કરી દેવાઈ હોવા છતાં આ લોકોને ક્યાં અને કેવી રીતે કોરોના સંક્રમણ થયું હશે એવો પ્રશ્ન સામે આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ વિસ્તારમાં રહેતા અને ભારત ડાયમન્ડ બુર્સની કમિટીના મેમ્બર એવા પાલનપુરી જૈન પરિવારના ૬૦ વર્ષના એક ગુજરાતી હીરાવ્યવસાયીને પહેલાં રિલાયન્સ હૉસ્પિટલ અને બાદમાં હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયા છે. તેમની પહેલી બે કોરોના ટેસ્ટ નેગેટિવ આવી હતી, પરંતુ બાદમાં કરાયેલી ટેસ્ટમાં કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાતાં તેમની સારવાર કરાઈ રહી છે. આ વેપારી મલબાર હિલની જે સોસાયટીમાં રહે છે એને સીલ કરીને સૅનિટાઇઝ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આવી જ રીતે ડાયમન્ડના જ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય એક વ્યવસાયી સાયનમાં રહે છે. સિનિયર સિટિઝન એવા આ વ્યવસાયીને પણ કોરોનાનું સંક્રમણ થતાં તેમને હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.

હીરાબજારમાં દલાલીનું કામ કરતા અન્ય એક ગુજરાતીને પણ એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હીરાબજારનાં સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણમાંથી કોઈ તાજેતરમાં વિદેશ પ્રવાસે ન ગયા હોવા છતાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભારત ડાયમન્ડ બુર્સ લૉકડાઉન કરાયા પહેલાંથી બંધ કરી દેવાયું હોવા છતાં આ લોકો કેવી રીતે કોરોનાના દરદીના સંપર્કમાં આવ્યા એવો સવાલ બધાને થઈ રહ્યો છે.

હીરાવ્યવસાયીઓના પરિવારજનો જોકે બધાને મેસેજ મોકલી રહ્યા છે કે કોઈએ આનાથી ડરવાની જરૂર નથી. બધા સંયમ જાળવે. કોરોના વાઇરસનાં લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરીને ટેસ્ટ કરાવવી.

surat coronavirus covid19 gujarat prakash bambhrolia