કચ્છ જાઓ છો તો હવે થવું પડશે સેલ્ફ-ક્વૉરન્ટીન

30 September, 2020 07:48 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

કચ્છ જાઓ છો તો હવે થવું પડશે સેલ્ફ-ક્વૉરન્ટીન

પ્રતીકાત્મક તસવીર

કચ્છમાં કોવિડના કેસોમાં ઘટાડો થતાં મુંબઈથી કચ્છ જઈ રહેલા યાત્રિકો, વેપારીઓ કે માતૃભૂમિમાં જઈ રહેલા કચ્છીઓને હવે ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવામાંથી છુટકારો મળ્યો છે. કચ્છમાં કોવિડ કેસ નહીંવત્ થઈ જતાં તાલુકા પંચાયત દ્વારા દરેક તાલુકામાં સંચાલિત ક્વૉરન્ટીન સેન્ટરોને હવે બંધ કરી દેવામાં આવ્યાં છે. હવે કચ્છમાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને ત્યાંના આરોગ્ય વિભાગ તરફથી કોવિડ સામે સાવચેતીરૂપે તેમના ઘરમાં સેલ્ફ-ક્વૉરન્ટીન થવાની સૂચના આપવામાં આવે છે.

છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડિયામાં કચ્છમાં ક્વૉરન્ટીન સેન્ટરો બંધ કરવામાં આવ્યાં છે અને મુંબઈથી કચ્છ જનારી વ્યક્તિઓએ ક્વૉરન્ટીન સેન્ટરમાં ૧૪ દિવસ સુધી રહેવાની જરૂર નથી એવો મેસજ વાઇરલ થયો છે. આ ઑડિયો મેસેજમાં બે વ્યક્તિઓની વાતચીતમાં હવે કચ્છમાં સેલ્ફ-ક્વૉરન્ટીન જ થવાની વાત કરવામાં આવી છે.

આ વાઇરલ મેસેજની માહિતીનો સ્વીકાર કરતાં કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય સંચાલક ડૉ. પ્રેમ કન્નારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે કચ્છમાં ૩૮ નવા કોવિડ કેસ નોંધાયા હતા જેની સામે ૩૫ કોવિડના દરદીઓને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. અત્યારે કલેક્ટરના આંકડાઓ પ્રમાણે કચ્છના તાલુકાઓમાં ૩૯૭ ઍક્ટિવ કેસો છે. અત્યાર સુધીમાં ૧૫૮૦ દરદીઓને સાજા કરી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૦૮૪ પૉઝિટિવ કેસોમાંથી ૬૫ જણનાં મૃત્યુ થયાં છે. એકંદરે કચ્છમાં કોવિડના કેસો ખૂબ જ ઓછા હોવાથી હવે ક્વૉરન્ટીનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુંબઈથી કે અન્ય રાજ્યોમાંથી આવનાર વ્યક્તિઓને કોવિડનાં લક્ષણો દેખાય તો જ તેમની કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. અન્યથા બધાને પાંચથી સાત દિવસ માટે સેલ્ફ-ક્વૉરન્ટીન થવાની અમે સલાહ આપીએ છીએ. ત્યાર બાદ જો તેમને કોઈ લક્ષણો દેખાય તો સરકારી નિયમો અનુસાર કોવિડ કૅર સેન્ટરોમાં ઍડ્મિટ કરવામાં આવે છે. જો પેશન્ટની તબિયત વધુ લથડે કે તેના ઑક્સિજન લેવલમાં ઘટાડો નોંધાય તો તેને કૅર સેન્ટરમાંથી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે.

gujarat coronavirus covid19 kutch