ગુજરાત: અફવાને કારણે રાજકોટમાં શાપર-વેરાવળ હાઇવે પર હદ બહારની હિંસા

18 May, 2020 07:47 AM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાત: અફવાને કારણે રાજકોટમાં શાપર-વેરાવળ હાઇવે પર હદ બહારની હિંસા

શાપર-વેરાવળ હાઇવે પર હદ બહારની હિંસા

ગઈ કાલે સવારે રાજકોટના ગઈતાલેથી ઓડિશા, બંગાળ જેવાં રાજ્યોમાં રવાના થનારા પરપ્રાંતીયોની ટ્રેન રદ થવાના અને એ પછી બસ કૅન્સલ થવાના સમાચાર આવ્યા પછી ‘નવી વ્યવસ્થા નહીં કરવામાં આવે’ એ મુજબની અફવા શરૂ થતાં પરપ્રાંતીયો શાપર-વેરાવળ હાઇવે પર ભેગા થઈને તોડફોડ કરવા લાગ્યા હતા. હાઇવે પરથી પસાર થતાં માલવાહક વાહનોથી માંડીને પ્રાઇવેટ કાર અને બસ પર પણ હુમલો કરીને એના કાચ ફોડવાથી માંડીને ટૂ-વ્હીલર પર નીકળતા લોકો પર પણ તેમણે હુમલો કર્યો હતો. ફેક મેસેજ એટલા સ્તરે વાઇરલ થયો કે ૧૫,૦૦૦થી પણ વધારે પરપ્રાંતીયો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. ભેગા થયેલા આ પરપ્રાંતીયોને સમજાવવા પહોંચેલી પોલીસ-ટીમ પર પણ હુમલો થયો અને એ પછી આ ન્યુઝ કવર કરવા ગયેલા પત્રકારો પણ હુમલો કરવામાં આવતાં વાત વધારે બગડી હતી. પથ્થરમારો અને તોડફોડની આ આખી ઘટના એકથી દોઢ કલાક ચાલી હતી અને આખા હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. લાંબી મથામણ અને સમજાવટ પછી પરપ્રાંતીયો વિખેરાયા હતા. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બલરામ મીણાએ કહ્યું હતું કે ‘આ સમયે સૌકોઈએ ધીરજ રાખવી પડશે અને કોઈ પણ તોડફોડ કે ગેરકાયદે પ્રવૃત્તિ કરશે તેની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.’

કુલ ૨૯ અરેસ્ટ થઈ

પોલીસ અને મીડિયા-કર્મચારી પર હુમલો કરનારા ૨૯ લોકોની ગઈ કાલે મોડી સાંજ સુધીમાં અરેસ્ટ કરવામાં આવી હતી, જેમની સામે હવે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આરોપીઓની ઓળખ માટે મીડિયા-કર્મચારીઓ દ્વારા શૂટ કરવામાં આવેલાં વિઝ્‍યુઅલ્સ ચેક કરવામાં આવ્યા હતા. બલરામ મીણાએ કહ્યું હતું કે ‘આ ફ્રસ્ટ્રેશન છે અને એને લીધે આ પ્રકારની હરકત એ લોકો કરી રહ્યા છે, પણ આવું ચલાવી લેવામાં નહીં આવે. સૌકોઈએ એક વાત સમજવાની જરૂર છે કે તંત્રને સાથ નહીં આપો તો ઘરે પાછા જઈ શકશો નહીં, માટે શાંત રહો અને વિશ્વાસ રાખો.’

પરપ્રાંતીઓને રવાના કરવા એ જ માત્ર કામ નથી, પણ આ પરપ્રાંતીઓને લઈને ટ્રેન જેકોઈ રાજ્યમાં જવાની છે એ રાજ્યની પરવાનગી પણ જરૂરી હોવાને લીધે આ પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. આ ઉપરાંત ટ્રેન જેકોઈ રાજ્યમાંથી પસાર થવાની હોય એ રાજ્યમાં ટ્રેનનાં સ્ટૉપ માટે પણ પરમિશન લેવી જરૂરી હોય એમાં પણ વધારે સમય લાગે છે.

શું હતી અફવા?

જે લોકો પોતાના ઘરે પાછા નથી જઈ શક્યા એ લોકો માટે હવે કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે. રહી ગયા તેઓ હવે રહી ગયા, તેમનો પાછા જવાનો વારો નહીં આવે.

gujarat rajkot veraval lockdown Rashmin Shah