રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વાર તમામ મોટાં દેવસ્થાનો 31 માર્ચ સુધી બંધ

21 March, 2020 10:33 AM IST  |  Gandhinagar | Agencies

રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વાર તમામ મોટાં દેવસ્થાનો 31 માર્ચ સુધી બંધ

સોમનાથ મંદિર

ઇતિહાસમાં પ્રથમ વાર કોરોના વાઇરસના પગલે અંબાજી મંદિર બંધ કરવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો છે. અંબાજી મંદિર એકાવન શક્તિપીઠો પૈકીનું એક મહત્વનું સ્થાન છે. અહીં ભાદરવી મહા કુંભમાં ૨૫થી ૩૫ લાખ લોકો ચાલતા આવે છે જેમાં સપ્તદિવસીય મહાકુંભનો પુનમિયા મેળો વિશ્વ ફલક પર સહુથી મોટા ધાર્મિક ઉત્સવ તરીકે નામાંકિત છે. સપ્તદિવસીય આ મહાકુંભમાં વિવિધ પુનમિયા સંઘો અને પદયાત્રીઓ દૂર-દૂરથી આવી પોતાની કઠિન યાત્રા અહીં પૂરી કરી ધન્યતા અનુભવે છે. અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ચૈત્રી નવરાત્રિ, આસો નવરાત્રિ, મહિનાની પૂનમ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોમાં પણ લાખો યાત્રિકો નિજ મંદિરમાં દર્શનાર્થે આવે છે.

આજથી રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર તમામ મોટાં દેવસ્થાનો આગામી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. રાજ્યમાં ૩૧મી માર્ચ સુધી બંધ રહેનારાં આ મંદિરોમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, અક્ષરધામ, ચોટીલા સહિતનાં તમામ મોટાં મંદિરોનો સમાવેશ થાય છે.

મા આશાપુરા માતાના મઢ મંદિરમાં દર્શન બંધ

કચ્છના લખપતમાં આવેલા શ્રી માતાના મઢ જાગીર ટ્રસ્ટની ખાસ યાદીમાં જણાવવામાં આવે છે કે સમગ્ર દેશની કોરોના વાઇરસની હાલની પરિસ્થિતિની ગંભીરતા જોઈને શ્રી આશાપુરા માતાના મઢમાં દર્શનાર્થીઓ માટે ગઈ કાલથી મંદિર બંધ કરવામાં આવ્યું છે. આથી દરેક યાત્રિકો, પ્રવાસીઓ કે દર્શનાર્થીઓ માતાના મઢનાં દર્શન ૩૧ માર્ચ સુધી કરી શકશે નહીં. ફકત સેવા-પૂજા, આરતી પૂજારીઓ મારફતે જ ચાલુ રહેશે. આ દરમ્યાન માતાજીનાં દર્શન તેમ જ નવરાત્રીના કાર્યક્રમ WWW. MATHANAMADH. ORG તેમ જ યુ-ટ્યુબ પર માતાના મઢ લાઈવ સર્ચ કરીને ભાવિકો દર્શન કરી શકશે. આ સિવાય સરકારશ્રીની સૂચના હશે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેની સર્વે માઈભકતોએ નોંધ લેવી.

gujarat gandhinagar