ગાંધીનગરમાં કોરોના : સ્કૂલનાં બાળકો માટે ગાઇડલાઇન જાહેર

14 March, 2020 08:19 AM IST  |  Gandhinagar

ગાંધીનગરમાં કોરોના : સ્કૂલનાં બાળકો માટે ગાઇડલાઇન જાહેર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કટોકટી જાહેર કરી દીધી છે ત્યારે આ અતિચેપી અને જીવલેણ કોરોના વાઇરસ ગુજરાતમાં ન ફેલાય એ માટે ખાસ સાવચેતી અને તકેદારી ઉપરાંત જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ગાંધીનગરની શાળાઓને પણ બાળકો એકત્રિત થાય એવા કાર્યક્રમો નહીં કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, આ અસરગ્રસ્ત દેશમાંથી કોઈ વિદ્યાર્થી આવે તો તેના ઘરે જઈને ૧૪ દિવસ સુધી સ્ક્રીનિંગ કરવા તથા તમામ વિદ્યાર્થી-વાલીઓને જાગ્રત કરવા સૂચના આપવામાં આવી છે. તો સાથે જ કોઈ પણ ફ્લુવાળાં બાળકો હાલમાં શાળાએ ન આવે એની ખાસ કાળજી લેવા શાળાના સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે.

આ સંદર્ભે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર. આર. રાવલે લેખિત પરિપત્ર જાહેર કરીને જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં કોરોના વાઇરસ અંતર્ગત લોકોમાં ભયનો માહોલ છે. આ વાઇરસ એક અસરગ્રસ્ત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો હોય એના અટકાયત અને નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવવી ખુબ જરૂરી છે. આ રોગ બાળકોમાં ઝડપથી ફેલાતો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કેટલાંક પગલાં ભરવાં આવશ્યક છે.

gujarat gandhinagar coronavirus