રાજકોટ : ભીખ માગીને ભર્યો દંડ

23 July, 2020 07:06 AM IST  |  Rajkot | Rashmin Shah

રાજકોટ : ભીખ માગીને ભર્યો દંડ

ભીખ માગીને ભર્યો દંડ

અકલ્પનીય રીતે વધતા જતા કોરોના-સંક્રમણને કાબૂમાં લાવવા માટે ગઈ કાલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સ્ટાફ સાથે માસ્ક વિના ફરનારા લોકો પાસે દંડ વસૂલવા બહાર આવ્યા હતા. ગઈ કાલના એક જ દિવસમાં કૉર્પોરેશને પોણાબે લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો, પણ મજાની એક ઘટના રાજકોટના યાજ્ઞિક રોડ પર બની હતી. રાજકોટના યાજ્ઞિક રોડ પરથી માસ્ક વિના નીકળનારા સૌકોઈને કૉર્પોરેશનના અધિકારીઓ પકડતા હતા અને કમિશનર પોતે દંડની પહોંચ બનાવતા હતા. પકડાયેલા આ લોકોમાં ભિક્ષુક અને મદારીઓ પણ અડફેટે ચડ્યા, જેમાંથી કેટલાક ભિક્ષુક દંડ ભર્યા વિના ભાગી ગયા તો કેટલાક દંડ નહીં વસૂલવા માટે કરગરતા રહ્યા પણ એક ભિક્ષુકે બરાબરની ખુદ્દારી બતાવતાં અધિકારીઓની હાજરીમાં જ ત્યાંથી પસાર થતા લોકો પાસે ભીખ માગવાનું શરૂ કરી દીધું અને વીસ મિનિટમાં બસો રૂપિયા એકત્રિત કરીને માસ્ક નહીં ભરવાનો દંડ ભરીને પહોંચ પણ લઈ લીધી.

વાતની ચરમસીમા તો ત્યાં છે કે દંડ ભર્યા પછી એ જ ભિક્ષુક નજીકના મેડિકલ સ્ટોરમાં જઈને ચાલીસ રૂપિયાનો માસ્ક પણ લઈ આવ્યો અને આ અધિકારીઓ પાસે જઈને એ માસ્ક દેખાડી પણ આવ્યો.

gujarat rajkot Rashmin Shah coronavirus covid19 lockdown