...તો કોરોના-વેકેશનમાં જૂના એપિસોડ જોવા પડશે

13 March, 2020 09:14 AM IST  |  Rajkot | Rashmin Shah

...તો કોરોના-વેકેશનમાં જૂના એપિસોડ જોવા પડશે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને કારણે દિલ્હીમાં સ્કૂલ-કૉલેજ અને થિયેટર-ઑડિટોરિયમ ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો આદેશ લેવાઈ ગયો તો ભારત સરકારની સ્પોર્ટ્સ મ‌િન‌િસ્ટ્રીના આદેશ પછી રાજકોટમાં રમાઈ રહેલી રણજી ફાઇનલની મૅચમાં સ્ટેડિયમમાં પણ ક્રિકેટ ફૅન્સ પર પ્રવેશબંધી લાગુ કરી દેવામાં આવી છે. અત્યારે સૌકોઈનો પ્રયાસ એક જ છે કે કોરોના વાઇરસ દેશમાં સ્પ્રેડ ન થાય. આવી સિચુએશન વચ્ચે ફિલ્મ અને ટીવી-સિરિયલનું શૂટિંગ ચાલુ રાખવું કે નહીં એનો નિર્ણય પણ આવતા દિવસોમાં લેવાઈ જશે. બૉલીવુડનાં કુલ ચાર અસોસિએશન પૈકીના સૌથી જૂના અસોસિએશન ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન (ઇમ્પા)ની મીટિંગ આજે થશે. જો આજે મીટિંગમાં શૂટિંગ અટકાવવાની બાબતમાં નિર્ણય લેવાશે તો એવી પરિસ્થિતિ ઊભી થશે કે કોરોનાને લીધે વહેલા પડી રહેલા વેકેશનમાં જૂની સિરિયલો જ જોવી પડશે એ નક્કી.

ઇમ્પા તરીકે વધારે પૉપ્યુલર થયેલા આ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ હ‌રેશ પટેલે કહ્યું કે ‘જો ગવર્નમેન્ટનો ઑર્ડર આવશે તો તો કોઈ પ્રશ્ન નથી, પણ બાકી અમે મીટિંગ દરમ્યાન જોઈશું કે અત્યારે શૂટિંગનું સ્ટેટસ શું છે અને ફિલ્મોનું કામ કયા લેવલ પર પહોંચ્યું છે. કોઈને નુકસાન ન થાય એ રીતે નિર્ણય લેવાની અમે કોશિશ કરીશું, પણ જો કોરોનાનો ડર હશે તો અમારે નાછૂટકે શૂટિંગ અટકાવવાનો ઑર્ડર આપવો પડશે.’

સામાન્ય રીતે ફિલ્મ યુનિટમાં ૧૫૦ વ્યક્ત‌િનો સ્ટાફ હોય છે. એક અનુમાન મુજબ અત્યારે મુંબઈમાં હિન્દી અને મરાઠી એમ બન્ને ઇન્ડસ્ટ્રીની ૪૦ જેટલી ફિલ્મોનું શૂટિંગ ચાલે છે એટલે સાદી ત્રિરાશિ મુજબ ૭થી ૮ હજાર લોકોની અવરજવર એ સેટ પર હોઈ શકે છે.

ફિલ્મની સરખામણીએ મુંબઈમાં ટીવી-સિરિયલનું શૂટિંગ મોટા પ્રમાણમાં ચાલે છે. મુંબઈમાં અત્યારે ૭૦થી ૧૦૦ જેટલી સિરિયલ અને વેબ-સિરીઝનું શૂટિંગ ચાલે છે. સિરિયલ અને સ‌િરીઝના શૂટિંગમાં અંદાજે ૭૦થી ૧૦૦ જેટલા લોકોની હાજરી હોય છે. ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સ‌િલની મીટિંગ પણ આજે છે.

કાઉન્સિલના ચૅરમૅન (ટીવી અને ડિજિટલ પ્લૅટફૉર્મ) જે. ડી. મજેઠિયાએ કહ્યું કે ‘કોરોના વાઇરસ સામે શું પ્રિકોશન્સ લેવાં જોઈએ એની આખી રૂપરેખા તૈયાર કરી છે, પણ એ પછી જો શૂટિંગ અટકાવવાની જરૂર લાગશે તો અમે એ સ્ટેપ લઈશું. માનવજીવનથી મોટું બીજું કંઈ ન હોય. ચૅનલ્સ પણ અમને આ બાબતમાં સપોર્ટ કરવા રાજી છે.’

જે. ડી. મજેઠિયા કહે છે, ‘શૂટિંગ અટકાવવામાં ન આવે તો પણ કોરોના સામેની જાગૃતિ માટે કેટલાક રસ્તા વિચાર્યા છે, જેમાં દરેક સિરિયલના સેટ પર ત્રણ લૅન્ગ્વેજમાં કોરોના વાઇરસ સંદર્ભનાં પોસ્ટર લગાવવામાં આવશે અદે સાથોસાથ સામાન્ય બીમારી ધરાવતા યુનિટ-મેમ્બરને ચાલુ વેતને રજા આપવાથી લઈને એ રજા પર હોય ત્યારે તેની જૉબ સિક્યૉર રહે એ પ્રકારની અરેન્જમેન્ટ અકબંધ રાખવા સુધીની વાત વિચારવામાં આવી છે.’

gujarat rajkot coronavirus Rashmin Shah