અનિર્ણિત રૂપાણી સરકારનો યુ-ટર્નઃ ખૂલેલી દુકાનોને ફરીથી બંધ કરાવી

27 April, 2020 10:39 AM IST  |  Gandhinagar | Agencies

અનિર્ણિત રૂપાણી સરકારનો યુ-ટર્નઃ ખૂલેલી દુકાનોને ફરીથી બંધ કરાવી

વિજય રૂપાણી

વર્તમાન કોરોના મહામારીમાં ગુજરાત સરકારના એક ઉતાવળા-અધકચરા-અણઘડ અને કેટલાક અધિકારીઓની વાત નહીં માનીને લેવાયેલા નિર્ણયમાં સરકારને ગણતરીના કલાકોમાં જ યુ-ટર્ન લઈને આજે બિનજરૂરી દુકાનો ખોલવાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે. આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો હવે ૩ મે સુધી અગાઉની જેમ જ બંધ રહેશે. સરકારે આજથી છૂટક દુકાનો અને બિનઆવશ્યક સેવાની દુકાનો ખોલવાની જાહેરાત કરી હતી. એ મુજબ આજે આ તમામ દુકાનો ખૂલતાં લોકોનાં ટોળેટોળાં અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનો સરેઆમ ભંગ તથા સરકારના નિર્ણયની લોકોમાં અને ખુદ બીજેપીમાં પણ એક વર્ગમાં આલોચના થતાં છેવટે સરકારે આવશ્યક સેવા સિવાયની દુકાનો બંધ રાખવાની જાહેરાત કરવી પડી છે. આમ જે દુકાનદારો દુકાન ખોલીને લૉકડાઉનમાં કંઈક કમાણી કરવાની આશા રાખી રહ્યા હતા તેમની ઇચ્છા પર ગણતરીના કલાકોમાં પાણી ફરી વળ્યું હતું અને પોલીસ દ્વારા આ દુકાનને બંધ કરાવી દેવામાં આવી હતી. સરકારે પોતાના આ ઉતાવળા નિર્ણયને સાચો ઠેરવવા એવો બચાવ કર્યો કે સ્થાનિક વેપારીઓએ જ ૩ મે સુધી દુકાનો બંધ રાખવાની માગ કરી હતી. તેથી સરકારે આ દુકાનો બંધ કરાવી છે. નોંધનીય છે કે કેટલાક અધિકારીઓએ ૧૫ મે સુધીમાં બજારો કેસો વધશે એમ કહીને સરકારને આ દુકાનો બંધ જ રાખવાનો ઇશારો કર્યો હતો. પરંતુ સરકારે તેમની ઉપેક્ષા કરીને દુકાનો ચાલુ કરાવી અને ખૂલતાંની સાથે જ બંધ કરાવી હતી.
ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉનમાં દુકાનો ખોલવા અંગે ઝ્રર્સ્ં સચિવ અશ્વિની કુમારે પ્રેસ-કૉન્ફરન્સ કરી મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યનાં ૪ મહાનગરોમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. તેમણે કહ્યું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. આ રીતે હવે ચાર મહાનગરોમાં દુકાનો ખોલવાનો નિર્ણય પાછો ખેંચાયો છે.

અશ્વિની કુમારે કહ્યું કે આ ૪ મહાનગરોમાં ૩ મે સુધી આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણય વેપારી અસોસિએશન સાથે બેઠક કરીને લેવાયો છે. ઉપરાંત રાજ્યનાં અન્ય શહેરોમાં પણ મૉલ, માર્કેટિંગ કૉમ્પ્લેક્સ, સલૂન, પાન-માવા, હોટેલ અને રેસ્ટોરન્ટ ખોલી શકાશે નહીં. આ સાથે અશ્વિની કુમારે એમ પણ કહ્યું કે કોરોના મુદ્દે સતર્કતાનું રાજ્યના વેપારીઓને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ પણ બંધ રહેશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દૂધ, દવા, શાકભાજી, કરિયાણાની દુકાનો પહેલાંની જેમ ખુલ્લી રહેશે; જ્યારે પાન-મસાલા, બ્યુટી-પાર્લર, હોટેલ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સરકારે અમુક દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી હતી. એના પછી સવાલ ઊભા થયા હતા કે રાજ્યમાં કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ આ છૂટ કેમ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે વેપારી અને લોકોની માંગ પર ફરી વિચાર કરી રાજ્ય સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.

ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજ બંધ

નેહરુ બ્રિજ બાદ ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ટ્રાફિક-પોલીસ દ્વારા મોડી રાતે નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ, ઍલિસબ્રિજ, જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ ચાલુ છે. અચાનક લેવાયેલા નિર્ણયને પગલે લોકોમાં મુશ્કેલી પેદા થઈ છે. કોઈ જાહેરાત વિના રસ્તો બંધ કરતાં લોકો અટવાયા છે.

gujarat gandhinagar Vijay Rupani coronavirus