ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરનો કટાક્ષ

03 March, 2020 11:27 AM IST  |  Mumbai Desk

ગુજરાત વિધાનસભામાં કૉન્ગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરનો કટાક્ષ

ગુજરાત વિધાનસભાગૃહમાં કૉન્ગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર કટાક્ષ કર્યો છે. આરોગ્ય વિભાગની પૂરક માગણી પરની ચર્ચા દરમ્યાન વીરજી ઠુમ્મરે કહ્યું કે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને અમારો તેમને ટેકો છે. તે ૧૫ ધારાસભ્યો લઈને આવે તો મુખ્ય પ્રધાન બનાવવા અમારો ટેકો છે. તમારા પક્ષના લોકો તમને સમજી શકતા નથી.

જોકે વીરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતાં ટકોર કરી કે વીરજીભાઈ, ગયા વખતે તમારા ૧૨ ધારાસભ્યો જતા રહ્યા હતા. અમારી ચિંતા કર્યા વગર તમારું ઘર સંભાળો. આ દરમ્યાન શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રદીપસિંહના સપોર્ટમાં આવ્યા હતા અને કૉન્ગ્રેસના સભ્યોને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે નીતિનભાઈ સાથે આખું મંત્રીમંડળ અને આખી બીજેપી છે, અલગ સંદર્ભમાં વાત જોડવી યોગ્ય નથી.

આ પહેલાં ૨૯ ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ દ્વારા બનાવવામાં આવી રહેલા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે જ્યાં પહોંચ્યો છું ત્યાં એમ ને એમ અહીં નથી પહોંચાતું. તમે ટીવીમાં જોતા જ હશો, છાપામાં જોતા જ હશો. પૂછો અમારા ધારાસભ્યોને, એક બાજુ બધા ને એક બાજુ હું એકલો એ ઉમિયા માતાના આશીર્વાદ છે. આ લોહી બોલે છે, તમારા બધાના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું. મને માતાજીના એટલા આશીર્વાદ છે કે બધી જગ્યાએ મને યાદ આવવાનું યાદ આવી જ જાય છે. બીજા લોકોને ઘણાને નથીયે ગમતું કે ભુલાવવા મથીએ છીએ પણ નીતિનભાઈ ભૂલતા નથી.

gandhinagar gujarat congress Gujarat Congress Nitin Patel