05 April, 2026 10:52 AM IST | Gujarat | Gujarati Mid-day Correspondent
ગંભીરા બ્રિજ પરથી પસાર થવા આવેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના છેડે મુકાયેલું બોર્ડ અને બ્રિજ પરથી પસાર થઈ રહેલાં ટૂ-વ્હીલર્સ. ગંભીરા બ્રિજના તૂટી ગયેલા ભાગ પર લોખંડનું માળખું બેસાડવામાં આવ્યું છે.
મધ્ય ગુજરાતમાં પાદરાના મુજપરથી આંકલાવના ગંભીરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ ટૂ-વ્હીલર્સ માટે ફરી ખુલ્લો મુકાયો છે. ટૂ-વ્હીલર્સ માટે આ બ્રિજ ફરી ખુલ્લો મુકાતાં ખાસ કરીને નોકરિયાત વર્ગને રાહત થઈ છે. માત્ર ૨૪ કલાકમાં જ ૧૫,૦૦૦થી વધુ ટૂ-વ્હીલર્સ આ બ્રિજ પરથી પસાર થયાં હતાં.
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ પૂલના તૂટી પડેલા ભાગને જોડવા માટે લોખંડનું માળખું તૈયાર કરીને બેસાડવામાં આવ્યું છે. આ માળખું બેસાડ્યા બાદ લોડ-ટેસ્ટિંગ સહિતની નિયત પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી અને ત્યાર બાદ આ બ્રિજ ટૂ-વ્હીલર્સ અને રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી ફોર-વ્હીલર્સ પસાર ન થાય એ માટે બ્રિજના બન્ને છેડે બૅરિકેડિંગ કરાયું છે. આ ઉપરાંત પોલીસ અને હોમગાર્ડ તહેનાત કરવામાં આવ્યાં છે. બ્રિજ પર સેફટી માટે બન્ને બાજુ ક્રૅશ-બૅરિયર તથા રોડ-સેફટી બોર્ડ અને લેન-ડિવાઇડ માટે સ્પ્રિંગ-પોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. ટૂ-વ્હીલર્સ માટે બ્રિજ ખુલ્લો મુકાયા બાદ વડોદરા અને આણંદ તરફથી મોટી સંખ્યામાં ટૂ-વ્હીલર્સ એના પરથી પસાર થઈ રહ્યાં છે.