CM રુપાણીએ નરેન્દ્ર મોદી-અમિત શાહ સાથનો 19 વર્ષ જૂનો ફોટો કર્યો શૅર

26 May, 2019 05:06 PM IST  |  ગાંધીનગર

CM રુપાણીએ નરેન્દ્ર મોદી-અમિત શાહ સાથનો 19 વર્ષ જૂનો ફોટો કર્યો શૅર

સીએમ રૂપાણીએ શૅર કર્યો ફોટો (Image Courtesy : Vijay Rupani Facebook)

લોકસભાની ચૂંટણીમાં ભાજપને અકલ્પનીય જીત મળી છે. ભાજપે પોતાનો જ 2014નો રેકોર્ડ તોડતા 2019ની લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો મેળવી છે. આ જીતનો પાયો નાખનાર ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ અને જીતના હીરો એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત ભાજપ દ્વારા બંને રાષ્ટ્રીય નેતાઓનો અભિવાદન સમારોહ યોજાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પીએમ મોદી અને અમિત શાહ સાથેની પોતાની જૂની યાદો તાજા કરી છે.

 

સીએમ વિજય રૂપાણીએ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી સાથેનો 19 વર્ષ જૂનો ફોટો શૅર કર્યો છે. જેમાં તેમની જમણી બાજુ ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી અને જમણી બાજુ અમિત શાહ દેખાઈ રહ્યા છે. આ ફોટો સીએમ વિજય રૂપાણી પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર શૅર કર્યો છે, જેની સાથે તેમણે લખ્યું છે,' યાદગાર ક્ષણ...સાલ 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ચૂંટણી લડ્યા ત્યારની તસ્વીર. સાલ 2001માં શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે મારી જવાબદારી સીટ ઇન્ચાર્જ તરીકેની હતી.'

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટ્યા લોકો, 2 દિવસમાં 50 લાખની આવક

ઉલ્લેખનીય છે કે સીએમ વિજય રૂપાણી મૂળ રાજકોટના છે. અને 2001માં જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના સીએમ બનાવવામાં આવ્યા ત્યારે તેઓ પોતાની પહેલી વિધાનસભાની ચૂંટણી રાજકોટથી લડ્યા હતા. તે સમયે હાલના સીએમ વિજય રૂપાણીએ સીટ ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. સીએમ વિજય રૂપાણી અમિત શાહના ખૂબ જ નજીક મનાય છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યાર બાદ પણ તેઓ રાજકોટમાં જ કાર્યરત હતા. જો કે બાદમાં તેમને પહેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવાયા. પછી પાણી પુરવઠા પ્રધાન તરીકે કેબિનેટમાં સ્થાન અપાયું. અને પાટીદાર આંદોલન બાદ સીએમ પદેથી આનંદીબહેનની વિદાય બાદ વિજય રૂપાણી પર ભાજપ હાઈકમાન્ડે પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

Vijay Rupani amit shah narendra modi Gujarat BJP gujarat news