હડતાળ પાછી ખેંચવા રૂપાણીની અપીલ, માગણી મુદ્દે લેવાશે નિર્ણય

12 May, 2021 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં 8 કૉલેજના તબીબો આજથી હડતાળ પર.

વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

ગુજરાતની 8 GMERS કોલેજના તબીબો આજથી હડતાળ પર છે. અંદાજે 2700 જેટલા ડૉક્ટર્સ આજે એટલે કે મંગળવારે બપોરે 12 વાગ્યાથી હડતાળ પર છે. સમગ્ર ગુજરાતની જુદી જુદી 8 કૉલેજ સહિત ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરો તેમજ અન્ય સ્ટાફના સભ્યોએ એકઠા થઇને આજે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી. આ ડૉક્ટર્સની પડતર માગણીઓ સંદર્ભે સરકારના ઉદાસીન અને ઉપેક્ષિત વલણ સામે આક્રોશ પ્રદર્શિત કર્યો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના મહામારીમાં નર્સ સહિત સ્ટાફની લડાઇમાં મહત્વની ભૂમિકા છે. તેમના થકી આ લડાઇ લડવી શક્ય છે. જુદાં જુદાં વિભાગોમાં નાના-મોટા પ્રશ્નો ઊભા થવા દરમિયા રાજ્ય સરકાર હંમેશાં હકારાત્મક રહી છે. હાલ મેડિકલ કૉલેજના પ્રાધ્યાપક હડતાળ પર છે. 4 દિવસ પહેલા જ તેમની સાથે વાત થઈ હતી. પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી. પ્રજાને આવા સમયે બાનમાં ના રાખી શકાય એટલા માટે મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે હડતાળ પાછી ખેંચો- ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર નિર્ણય કરશે.

ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશને પોતાની પડતર માગણીઓ સરકાર સામે રજૂ કરી. આ સંદર્ભે મુખ્યમંત્રી રૂપાણીએ અગ્ર સચિવ જયંતિ રવિ, અગ્ર સચિવ સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના સચિવની એક કમિટી બનાવી. આ કમિટીએ તેમના પ્રશ્નો સાંભળ્યા અને રૂપાણીને જણાવ્યા. જો કે, તેમાંથી કેટલાક પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણની ખાતરી આપી. જ્યારે અન્ય પ્રશ્નો સંબંધિત નિર્ણય લેવા માટે કમિટીએ પોતાનો રિપૉર્ટ સરકારમાં સોંપ્યો છે.

gujarat Vijay Rupani