ચીખલીમાં ગણેશવિસર્જનમાં ચાર યુવકો તણાયા : બેનાં મોત

14 September, 2019 09:07 AM IST  |  ચીખલી | રોનક જાની

ચીખલીમાં ગણેશવિસર્જનમાં ચાર યુવકો તણાયા : બેનાં મોત

ખાડીમાં ડૂબતા યુવાનોને બચાવવાનો પ્રયાસ કરતા ગ્રામજનો

નવસારી : નવસારીમાં ૧૩,૦૦૦થી વધુ પ્રતિમાનું વિસર્જન, અનેક જગ્યાએ શાંતિપૂર્વક ગણેશ-ઉત્સવની ઉજવણી, ચીખલીના વાંઝણા ગામે બે યુવકો ખાડીમાં ડૂબી જતાં મોત, ગામજનોની આંખ સામે ૧ યુવક ડૂબતો રહ્યો. યુવકોને બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા અને લોકો વ‌િડિયો બનાવતા રહ્યા.  

શ્રીજીની સ્થાપના અને ભક્તિભાવપૂર્વક દસ દિવસની પૂજાઅર્ચના સાથે ગણેશ-ઉત્સવની ઉજવણી બાદ નવસારીમાં ખૂબ જ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં ભવ્ય શોભાયાત્રા કાઢી આવતા વર્ષે પાછા પધારવાની પ્રાર્થના સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. નવસારીમાં અસંખ્ય ઓવારા પર આશરે ૧૩,૦૦૦થી વધુ પ્રતિમાને ભાવપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી. વિસર્જન યાત્રામાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ મંડળીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજલપોર શહેરમાં વિસર્જન કરવા ગયેલો ટેમ્પો પલટી જતાં કેટલાક ગણેશભક્તોને સામાન્ય ઈજા થઈ હતી. વિરાવળ ઓવારા ખાતે મોટી પ્રતિમાના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ગણેશ સંગઠન મંડળ  દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને શુક્રવારે સવારે ૭.૩૦ વાગ્યા સુધી વિસર્જન કાર્યમાં જોડાયેલા રહ્યા હતા.

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

ચીખલીમાં બે યુવકો તણાઈ ગયા
ચીખલી તાલુકાના વાંઝણા ગામે ખાડીમાં વિસર્જન કરવા જતાં ગામના ચાર યુવકો તણાયા હતા, જેમાંથી બેને બચાવી લેવાયા હતા જ્યારે અન્ય બે યુવકોને આંખો સામે તણાતા જોઈ લોકો વિડિયો ઉતારતા રહ્યા, પણ બચાવી શક્યા નહોતા. ખાડીમાં તણાતા બે યુવકોને ગામના લોકોએ બચાવી લીધા હતા. પરંતુ સંજોગો વશાત રાકેશ હળપતિ અને અમિત હળપતિ નામના બે યુવકોને અનેક પ્રયાસો છતાં બચાવી શકાયા નહોતા. ગણેશ વિસર્જન માટે લઈ જવાતા ટેમ્પોમાં રાખવામાં આવતું દોરડું બે યુવકો માટે ફેંકવામાં આવ્યું ત્યારે દોરડું ત્યાં સુધી પહોંચ્યું નહોતું. ધસમસતા પાણીના પ્રવાહમાં બન્ને એ દોરડું પકડી શક્યા નહોતા. એ વિસ્તારના ગામડાંમાં નોંધપાત્ર બાબત એવી છે કે અનેક ઠેકાણે નદી કે ખાડીના કિનારા ઓવારા વગરના હોવા છતાં લોકો ત્યાં ગણેશ વિસર્જન માટે જતા હોય છે. એ સ્થિતિમાં જાનહાનિનું જોખમ વધી જાય છે. એવા કિનારે નહાવા જતા લોકો પર પણ જોખમ હોય છે. ખાસ કરીને અનેક ગણેશોત્સવ મંડળો સમન્વય સમિતિના સભ્ય નહીં હોવાને કારણે એમના સંપર્કની વિગતોના અભાવે સમન્વય જળવાતો નથી. એ સ્થિતિમાં મુશ્કેલીના સમયમાં સહાય કે બચાવ કાર્યમાં તકલીફ પડે છે.

navsari gujarat