છ મહિનાથી ઘરમાં બંધ સીએની વિદ્યાર્થિનીનું સારવાર દરમ્યાન નિધન

20 January, 2021 01:54 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

છ મહિનાથી ઘરમાં બંધ સીએની વિદ્યાર્થિનીનું સારવાર દરમ્યાન નિધન

સીએની વિદ્યાર્થિની

રાજકોટ શહેરમાં એકાંતવાસમાં રહેતાં ભાઈ-બહેનના કિસ્સા બાદ હવે સીએનો અભ્યાસ કરતી બીમાર પુત્રીને ઘરમાં પૂરી રખાઈ હોવાનો ચોંકાવનારો મામલો સોમવારે સામે આવ્યો હતો, પરંતુ આ ઘટનામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ઘરમાં બંધ યુવતીના રેસ્ક્યુ બાદ ગઈ કાલે તેનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. છેલ્લા છ માસથી યુવતી ઘરમાં બંધ હતી, જેને ૮ દિવસથી ખાધા-પીધા વગર બંધ રખાઈ હતી. યુવતીને જે ઘરમાં બંધ રખાઈ હતી તે ઘરમાંથી યુરિન ભરેલી થેલીઓ પણ મળી હતી. છેલ્લાં ૮ વર્ષથી પીડિતો માટે કામ કરતી સંસ્થા સાથી સેવા ગ્રુપના જલ્પાબહેન પટેલને એક હોટેલ સંચાલક છોટુ ગમારાને ફોન કરી જણાવ્યું હતું કે શહેરના સાધુ વાસવાણી રોડ પર એક દીકરી દયનીય હાલતમાં છે જેને મુક્ત કરાવવાની છે.

જેથી સંસ્થાની ટીમ રવિવારે સાંજે યુવતીના ઘરે પહોંચી ત્યારે ત્યાંનો નજારો જોઈ અવાચક રહી ગઈ. યુવતી છેલ્લા ત્રણ દિવસથી કૉમામાં હતી અને તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યા હતા. તેની પાસે તેનાં માતા-પિતા, કાકા અને બહેન બેઠાં હતાં અને આસપાસ યુરીનની કોથળીઓ અને ટબને કારણે દુર્ગંધ આવતી હતી. સંસ્થાની બહેનોએ યુવતીની તાત્કાલિક સારવાર માટે વાત કરી અને સિવિલ હૉસ્પિટલ લઈ જવા જણાવ્યું, પણ પરિવાર જાણે યુવતીની સારવાર કરવા માગતો જ ન હોય તેમ મનાઈ ફરમાવી હતી. ખાનગી હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું તો જવાબ મળ્યો કે અમને પૈસા આપી દો. સારવાર કરાવી લઈશું.

જેથી સંસ્થાએ તુરંત પોલીસ અને ૧૦૮નો સંપર્ક કર્યો. તે પછી યુવતીને ખૂબ જ ગંભીર હાલતમાં સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી. સંસ્થાના સંચાલક વધુમાં જણાવે છે કે તબીબી રિપોર્ટ મુજબ યુવતીને છેલ્લા ૮ દિવસથી પીવાનું પાણી પણ નથી અપાયું. જેથી આ કિસ્સામાં પોલીસ તટસ્થ તપાસ કરે અને જવાબદારો સામે પગલાં લે તે જરૂરી છે. એમ.બી.એ. થયેલી અને સી.એ.નો અભ્યાસ કરતી યુવતીને શું બીમારી હશે અને પરિવારે શા માટે સારવાર ન કરાવી? જેવા અનેક સવાલોના જવાબ પોલીસની તપાસ બાદ જ સામે આવશે.

gujarat rajkot