બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહ્યો છે ૧૨ માળના બિલ્ડિંગ જેટલો ઊંચો બ્રિજ

03 August, 2025 06:55 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ પુલમાં ૬થી ૬.૫ મીટરના વ્યાસ ધરાવતા કુલ આઠ વર્તુળાકાર થાંભલા બનાવવામાં આવી રહ્યા છે

અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેન માટેનો બ્રિજ

દેશના પ્રથમ મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી પર ૩૬ મીટર ઊંચો પુલ બની રહ્યો છે જે ૧૨ માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવશે. આધુનિક જોડાણના પ્રતીકરૂપ આ બ્રિજ ૪૮૦ મીટર લાંબો બનશે.  

અમદાવાદમાં આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે સાબરમતી નદી પર પશ્ચિમ રેલવેની અમદાવાદ–દિલ્હી મેઇન રેલવેલાઇનની બાજુમાં બની રહ્યો છે. આ પુલમાં ૬થી ૬.૫ મીટરના વ્યાસ ધરાવતા કુલ આઠ વર્તુળાકાર થાંભલા બનાવવામાં આવી રહ્યા છે. પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે જેમાં થાંભલા એ રીતે ઊભા કરવામાં આવી રહ્યા છે જેથી નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ પડે.

કુલ ૨૫ પુલ

બુલેટ ટ્રેન કૉરિડોરમાં નદીઓ પર કુલ ૨૫ પુલ બનશે જેમાંથી ૨૧ પુલ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં બનશે. ગુજરાતમાં ૨૧ પુલોમાંથી ૧૬ પુલ બની ગયા છે. એમાં પાર, પૂર્ણા, મીંઢોળા, અંબિકા, ઔરંગા, વેંગણિયા, મોહર, ધાધર, કોલક, વાત્રક, કાવેરી, ખરેરા, મેશ્વો, કિમ, દારોથા અને દમણગંગા નદી પરના પુલનો સમાવેશ છે.

bullet train ahmedabad Sabarmati Riverfront gujarat news gujarat