બ્રહ્માકુમારીઝનાં ચીફ બ્રહ્માકુમારી રાજયોગિની દાદી રતનમોહિનીજીનું ૧૦૧ વર્ષની ઉંમરે નિધન

09 April, 2025 09:01 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

તેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિક વિકાસ માટે અર્પણ કરીને વિશ્વભરમાં અનેક લોકોને એને માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ પ્રેમ, શાંતિ અને એકતાનો વારસો છોડી ગયાં છે.

બ્રહ્માકુમારીઝનાં ચીફ રાજયોગિની બ્રહ્માકુમારી ડૉ. દાદી રતનમોહિનીજીનું ગઈ કાલે ૧૦૧ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું

બ્રહ્માકુમારીઝનાં ચીફ રાજયોગિની બ્રહ્માકુમારી ડૉ. દાદી રતનમોહિનીજીનું ગઈ કાલે ૧૦૧ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. ૧૯૩૭માં બ્રહ્માકુમારીઝની સ્થાપના થઈ ત્યારથી એની સાથે તેઓ જોડાયાં હતાં અને ત્યારથી અત્યાર સુધી તેઓ સેવા આપી રહ્યાં હતાં.

તેમના વડપણ હેઠળ બ્રહ્માકુમારીઝ આધ્યાત્મિક ઉત્થાન અને વ્યક્તિગત પરિવર્તન કરીને ૧૪૨ દેશોમાં ૫૫૦૦ બ્રાન્ચ સુધી વિસ્તરી છે. તેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિક વિકાસ માટે અર્પણ કરીને વિશ્વભરમાં અનેક લોકોને એને માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ પ્રેમ, શાંતિ અને એકતાનો વારસો છોડી ગયાં છે.

આવનારા સમયમાં તેમનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ બની રહેશે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 
દાદી રતનમોહિનીજી આધ્યાત્મિક સ્તરે બહુ ઉચ્ચ કોટિનાં હતાં. તેમને પ્રકાશ, જ્ઞાન અને કરુણા રૂપે યાદ કરવામાં આવશે. તેમની જીવનયાત્રા ઊંડી આસ્થા, સાદગી અને સેવાને સમર્પિત હતી. આવનારા સમયમાં એ અનેક લોકોને પ્રેરણા આપશે. તેમણે બ્રહ્માકુમારીઝના વૈશ્વિક અભિયાનને ઉત્કૃષ્ટ લીડરશિપ પૂરી પાડી હતી. તેમની વિનમ્રતા, ધૈર્ય અને વિચારોની સ્પષ્ટતા તથા દયાળુ સ્વભાવ હંમેશાં યાદ રહેશે. જે લોકો શાંતિ અને સમાજને વધુ સારો બનાવવા માગે છે એ બધાને તેઓ માર્ગ બતાવતાં રહેશે. હું મારી તેમની સાથેની મુલાકાતને ક્યારેય ભૂલી નહીં શકું. દુ:ખની આ ઘડીએ મારી સંવેદના તેમના અનુયાયીઓ અને બ્રહ્માકુમારીના વૈશ્વિક અભિયાનની સાથે છે. ઓમ શાંતિ. 

પોતાનું જીવન માનવતાની સેવાને સમર્પિત કર્યું હતું : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
બ્રહ્માકુમારીઝ સંસ્થાનાં પ્રમુખ આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી દાદી રતનમોહિનીજીના અવસાનના ખબર સાંભળીને બહુ દુ:ખ થયું. તેમણે પોતાનું જીવન માનવતાની સેવામાં સમર્પિત કરી દીધું હતું. પોતાના ત્યાગ અને તપસ્યાપૂર્વકની જીવનશૈલીથી તેમણે અનેક લોકોનાં જીવન ઉજાળ્યાં હતાં. ૮૭ વર્ષ સુધી સંસ્થાની સફરનાં સાક્ષી રહી બ્રહ્માકુમારી દાદી રતનમોહિનીજીએ વિશ્વશાંતિ માટે પણ પહેલ કરી હતી. ૧૦૧ વર્ષ સુધીનું તેમનું શિસ્તબદ્ધ અને સાધનાપૂર્ણ જીવન અનેક યુવાનો માટે પ્રેરણાદાયી રહ્યું. હું તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું બ્રહ્માકુમારી પરિવારના દુ:ખમાં સામેલ છું. ઓમ શાંતિ.  

ahmedabad yoga gujarat gujarat news news