ભાજપના સંમેલનમાં અમિત શાહ જ રહ્યા ગેરહાજર, તર્કવિતર્ક શરૂ

15 April, 2019 01:51 PM IST  |  ગાંધીનગર

ભાજપના સંમેલનમાં અમિત શાહ જ રહ્યા ગેરહાજર, તર્કવિતર્ક શરૂ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (file phot)

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા હાલ અમિત શાહ ગુજરાતમાં છે. તે પોતાના મતવિસ્તારમાં રોડ શો કરીને મતદારો સાથે મુલાકાત કરી રહ્યા છે. આવો જ એક રોડ શો ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે સાંજે કલોલ ખાતે કર્યો હતો. જો કે આ રોડ શો બાદ યોજાયેલા ભાજપના સંમેલનમાં ખુદ અમિત શાહે જ હાજરી નહોતી આપી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ રોડ શોમાં હાજરી આપવાના હતા. અમિત શાહની હાજરીને કારણે તેમના સિક્યોરિટી ગાર્ડ્ઝે પણ ચકાસણી કરી લીધી હતી. તો અમિત શાહ હાજર રહેવાના હોવાને કારણે ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ સંમેલનમાં અમિત શાહ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોને ચૂંટણી જીતવાનો મંત્ર આપવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ અમિત શાહ હાજર ન રહેવાના હોવાની જાહેરાત થઈ. આ જાહેરાત સાથે જ કાર્યકર્તાઓ હતાશ થઈને પાછા ફર્યા હતા.

ઉલ્લેખનીય છે કે એક તરફ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે કાર્યક્રમ રદ થતા ભાજપના કાર્યકર્તાઓ નિરાશ થયા હતા. બીજી તરફ અમિત શાહ કેમ ગેરહાજર રહ્યા તે અંગે ભાજપે કોઈ ખુલાસો કર્યો નથી. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાજરી ઓછી હોવાને કારણે અમિત શાહે કાર્યક્રમમાં હાજરી ન આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

gandhinagar gujarat news Gujarat BJP amit shah Election 2019