ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે અવસાન

12 December, 2021 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુથી આજે નિધન થયું છે.

પ્રતીકાત્મક તસવીર

મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુથી આજે નિધન થયું છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ૧૧ ડિસેમ્બરના રોજ ઝાયડસ ડાયરેક્ટર ડૉ. વી.એન. શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં હતાં. આવા ગંભીર સંજોગોમાં રિક્વરીના ચાન્સ ખૂબ જૂજ હોય છે.

જોકે, આજે સવારે તેમની હેલ્થને લઈ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે કહ્યું હતું કે “હેલ્થ બગડવાની સ્થિતિ પર બ્રેક લાગી છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 30 હજારથી વધુ થયા છે અને બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આશાબેનનું શરીર પણ રિસપોન્ડ કરી રહ્યું છે. સમયાંતરે એમના રિપોર્ટ્સ કરાવવાં આવી રહ્યાં છે. લીવરમાં સિરમ ગ્લૂટેમિક પાયરુવિક ટ્રાન્સએમિનસ (SGPT) કાઉન્ટ પણ વધ્યા છે.”

ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલ દિલ્હીથી પરત આવ્યાં ત્યાર બાદ તેમને ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન થયું હતું. તેમણે બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ ત્યાં તેમની તબિયત વધુ લથડતા શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ડેન્ગ્યુને કારણે તેમનું લિવર ડેમેજ થયું  હતું અને તેમની સ્થિતિ ગંભીર બનતાં તેમને વેન્ટિલેટર પર રાખાયાં હતાં.

ગુજરાતનાં મુખ્યપ્રધાને ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે “મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. આશા બહેન પટેલે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી છે.”

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ સીધા જ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ ધારાસભ્ય આશાબેન પટેલની ખબરઅંતર પૂછવા ગયા હતા.

gujarat news bharatiya janata party