બીજેપીની વધતી કૉન્ગ્રેસ-નિર્ભરતા : 5 પક્ષપલટુઓએ અંતે કેસરિયો ધારણ કર્યો

28 June, 2020 06:08 PM IST  |  Mumbai Desk | Agencies

બીજેપીની વધતી કૉન્ગ્રેસ-નિર્ભરતા : 5 પક્ષપલટુઓએ અંતે કેસરિયો ધારણ કર્યો

ગુજરાત

રાજ્યસભા ચૂંટણી પહેલાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ૮ ધારાસભ્યો પૈકીના ૫ ધારાસભ્યોએ કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરિયો ધારણ કરી લીધો છે. આજે વહેલી સવારથી તમામ ધારાસભ્યો બીજેપીમાં જોડાવા અંગેની અટકળો ચાલી રહી હતી તેનો સુખદ અંત આવ્યો છે.

આજે કૉન્ગ્રેસમાંથી રાજીનામાં આપનાર પાંચ ભૂતપૂર્વ ધારાસભ્યો બીજેપીમાં જોડાયા હતા. જેમાં કપરાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના ભૂતપૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાનો સમાવેશ થાય છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને ભૂતપૂર્વ ધારાસભ્યોનું બીજેપીમાં સ્વાગત કર્યું હતું.

આજે સવારથી કૉન્ગ્રેસને રામરામ કરનારા પૈકીના પાંચ ભૂતપૂર્વ ધારાસભ્યો કમલમ્ ખાતે પહોંચ્યા હતા અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે બંધબારણે બેઠક કરી હતી. ત્યારબાદ વિધિવત રીતે સમ્માન સાથે પાંચેય ભૂતપૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ઓઢ્યો હતો.
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યોએ આજે કેસરિયો ઓઢ્યા બાદ બીજેપી પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ એક નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યું કે કૉન્ગ્રેસ ટુકડે ટુકડે ગૅન્ગને સમર્થન કરે છે જેના કારણે ગુજરાતમાં કૉન્ગ્રેસના ટુકડેટુકડા થઈ રહ્યા છે. આ સિવાય કૉન્ગ્રેસમાં અંદરોઅંદરનો વિખવાદ ખૂબ જ વધી ગયો છે અને હવે તે બહાર આવવા લાગ્યો છે. જેના કારણે અમુક ધારાસભ્યો નારાજ થઈને પાર્ટી છોડી રહ્યા છે. વાઘાણીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં કૉન્ગ્રેસે દુકાન બંધ કરી દેવી જોઈએ. કૉન્ગ્રેસ હવે આવડત અને નેતૃત્વવિહોણી છે.

કયા ભૂતપૂર્વ ધારાસભ્યો જોડાયા?
પ્રદ્યુમનસિંહ જાડેજા, ભૂતપૂર્વ ધારાસભ્ય, અબડાસા
જે. વી. કાકડિયા, ભૂતપૂર્વ ધારાસભ્ય, ધારી
બ્રિજેશ મેરજા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મોરબી
અક્ષય પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્ય, કરજણ
જીતુ ચૌધરી, ભૂતપૂર્વ ધારાસભ્ય, કપરાડા

national news bharatiya janata party congress