બિપરજૉય પડ્યું ધીમું, પણ તારાજી તો કન્ફર્મ

15 June, 2023 08:36 AM IST  |  Ahmedabad | Rashmin Shah

સોમવારે ૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતા બિપરજૉયે મંગળવારે ૧૨ કિલોમીટરની ઝડપ પકડી, પણ ગઈ કાલે એની ઝડપ ઘટીને એક તબક્કે શૂન્ય પર આવી ગઈ અને એની દિશા પણ ફરી બદલાઈ છે. જોકે હવામાન વિભાગનું માનવું છે કે ભય ઓછો નથી થયો

સોમનાથ મંદિર દ્વારા ગઈ કાલે ગાંઠિયા અને બુંદીનાં પાંચ હજાર પૅકેટ્સ વાવાઝોડાના અસરગ્રસ્તો માટે દેવભૂમિ દ્વારકા માટે રવાના કરાયાં હતાં.

અરબી સમુદ્ર પર ઊભા થયેલા ડિપ્રેશનના કારણે સર્જાયેલા બિપરજૉય સાઇક્લોનની ગતિ અને એની દિશામાં સતત બદલાવ આવી રહ્યો છે જે લાંબા સમયથી જોવા મળે છે. સોમવારે ૭ કિલોમીટરની ઝડપે આગળ વધતું બિપરજૉય મંગળવારે ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડીને આગળ વધતું હતું, પણ ગઈ કાલે સવારથી એણે ગતિ ધીમી પાડી દીધી હતી. સવારે ૧૦ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી એ માત્ર ૩ કિલોમીટરની ઝડપે આગળ વધ્યું તો એ પછી લગભગ છ કલાક સુધી એણે આગળ વધવાનું છોડી દીધું અને પછી ફરી એક અને બે કિલોમીટરની ઝડપે આગળ વધવાનું ચાલુ કર્યું. દેખીતી રીતે સારા લાગતા આ સમાચાર વચ્ચે પણ હવામાન વિભાગ કહે છે કે બિપરજૉય મોટાપાયે નુકસાની કરી શકે છે. આ વાત સમજાવતાં ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘બિપરજૉયના ઘેરાવામાં કોઈ ફરક પડ્યો નથી અને આ જે ઘેરાવો છે એ વધારે ખતરનાક હોય છે. બિપરજૉયનો ઘેરાવો જે સ્તરનો છે એ જોતાં કહી શકાય કે એ કાંઠે ટકરાશે ત્યારે ૧૨પથી ૧૪૦ કિલોમીટરની ઝડપે અથડાશે અને મોટાપાયે નુકસાન પહોંચાડશે.’

બિપરજૉયની ઘટેલી ગતિથી સાઇક્લોનના લૅન્ડફૉલના સમયમાં ફરક આવે એ જ શક્યતા રહી છે, એવું સમજાવતાં ગુજરાતના અગ્રણી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે ‘સારા સમાચાર એ કહેવાય કે સાઇક્લોન ઓસરી ગયું, પણ અહીં ઝડપ ઘટી છે, સાઇક્લોનની ઘનતામાં કોઈ ફરક પડ્યો નથી એટલે રાજી થવા જેવા સમાચાર હજી મળ્યા નથી એવું કહી શકાય.’

બિપરજૉયનો આગળનો રૂટ શું?

નળ સરોવરથી જખૌ વચ્ચે બિપરજૉયનો લૅન્ડફૉલ થવાની શક્યતા મંગળવારે જોવામાં આવતી હતી, પણ બિપરજૉયે પોતાની ચાલ મુજબ ફરી વક્રિય રૂટ લીધો હોય એ રીતે એ હવે સીરક્રિક થઈને ભારત-પાકિસ્તાનની જે રણસીમા છે એ તરફ આગળ વધતું હોય એવા સૅટેલાઇટ પિક્ચર્સ મળતાં એવું અનુમાન ગુજરાત હવામાન વિભાગ મૂકે છે કે ઉત્તર ગુજરાતમાં પણ સાઇક્લોનની અસર જોવા મળશે.

અત્યારે જે ઝડપ છે એ જોતાં બિપરજૉય આજે બપોરે ચારથી આઠ વચ્ચે લૅન્ડફૉલ કરે એવી સંભાવના છે.

cyclone biparjoy cyclone saurashtra arabian sea gujarat gujarat news Rashmin Shah