ટિકટૉક ક્લિપે 6 વર્ષ અગાઉ વિખૂટા પડેલા બાપ-બેટાનું પુનર્મિલન કરાવ્યું

06 March, 2020 07:42 AM IST  |  Bhuj

ટિકટૉક ક્લિપે 6 વર્ષ અગાઉ વિખૂટા પડેલા બાપ-બેટાનું પુનર્મિલન કરાવ્યું

ટિકટૉકે વિખૂટા પડેલા બાપ-બેટાનું પુનર્મિલન કરાવ્યું

આજની પેઢીમાં ટિકટૉક નામની મોબાઇલ ઍપ્લિકેશન ખૂબ લોકપ્રિય બની છે. ટિકટૉક પર વિડિયો પોસ્ટ કરનારા લોકોને લાઇક્સ અને વ્યુ મળે છે, પણ આંધ્ર પ્રદેશના એક યુવકને તો તેના પિતા મળ્યા છે! ટિકટૉકે ૬ વર્ષથી વિખૂટા પડીને દેશના બે ખૂણે વહેંચાઈ ગયેલા પિતા-પુત્રનું પુનર્મિલન કરાવ્યું છે.

ટિકટૉકની ક્લિપે દક્ષિણ ખૂણે આવેલા આંધ્ર પ્રદેશમાં વસતા પુત્ર અને પશ્ચિમ છેવાડે આવેલા ગાંધીધામમાં રહેતા પિતાનું પુનર્મિલન કરાવ્યું છે. આ હૃદયસ્પર્શી કથા છે આંધ્ર પ્રદેશના કુર્નુલ જિલ્લાના વેન્કટ નરસીમુલુ નામના ૨૮ વર્ષના યુવકે પોસ્ટ કરેલા ટિકટૉકની. ૨૧ નવેમ્બર, ૨૦૧૯ના નરસીમુલુએ પોતાના જન્મદિન નિમિત્તે ૨૦૧૬માં આવેલી તેલુગુ ફિલ્મ ‘નન્નાકુ પ્રેમાથો’ (પ્રિય પિતાને સાદર) ફિલ્મના લોકપ્રિય થયેલા હૃદયસ્પર્શી સંવાદની ઑડિયો ટ્યુન પર હાથમાં પિતાની તસવીર સાથે રડતી આંખે વિડિયો બનાવી પોસ્ટ કરેલો. તેલુગુ સંવાદનો અર્થ ગુજરાતીમાં એવો થાય છે કે ‘એક સમય હતો જ્યારે હું કમાતો નહોતો ત્યારે પિતા મારી સાથે હતા. આજે હું જાતે કમાઈ શકું છું પણ પિતા મારી સાથે નથી.’

પોતાના જન્મદિન નિમિત્તે બનાવેલો વેન્કટ નરસીમુલુનો હૃદયસ્પર્શી ટિકટૉક વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. આ વાઇરલ વિડિયો ગાંધીધામ નજીક આવેલી એક ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતા દક્ષિણ ભારતના કામદારોના ધ્યાનમાં આવ્યો હતો. વિડિયોમાં નરસીમુલુના પિતાનો ફોટો જોઈને તે ચોંકી ઊઠ્યા હતા, કારણ કે એ ફોટો તેમની સાથે કામ કરતા પુલૈયાનો હતો. તેમણે પુલૈયાને વિડિયો બતાડતાં જ પુલૈયાની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી હતી. પુલૈયા ખૂબ ભાવુક થઈ ગયા હતા. કામદારોને વિનંતી કરવા માંડ્યા કે મારા દીકરા જોડે મેળાપ કરાવી આપો. ટિકટૉક વિડિયોના આધારે હવે ગાંધીધામમાં રહેતા પુલૈયાના સહકામદારોએ નરસીમુલુને શોધી કાઢ્યો હતો. આ કિસ્સામાં સોશ્યલ નેટવર્કિંગ મીડિયા સાચા અર્થમાં પિતા-પુત્રને જોડતી કડી બન્યું છે.

gujarat bhuj tiktok