સ્ટૅચ્યુ ઑફ યુનિટી, સોમનાથ, અંબાજી સહિતના યાત્રાધામ પર સુરક્ષા વધારાઈ

13 August, 2019 08:44 AM IST  |  ભુજ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી, સોમનાથ, અંબાજી સહિતના યાત્રાધામ પર સુરક્ષા વધારાઈ

સ્ટૅચ્યુ ઑફ યુનિટી

જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. પાકિસ્તાને સૌપ્રથમ ભારત સાથે વેપાર બંધ કર્યો હતો. ત્યાર બાદ ટ્રેન વ્યવહાર સહિત અનેક સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા જઈ રહ્યું છે.

જમ્મુમાં ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે ત્યારે તેમના ત્યાં આશરો લઈ રહેલા આતંકીઓ ભારતમાં મોટો હુમલો કરીને બદલો લેવાની ફિરાકમાં છે. આગામી ૧૫ ઑગસ્ટને અનુલક્ષીને દેશભરનાં અનેક રાજ્યોને અલર્ટ કરવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને એક મોટો સમાચાર આઇબી તરફથી મળી રહ્યા છે.

આઇબીના ઇનપુટ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલો થઈ શકે છે. આ સંદર્ભે આઇબીએ ગુજરાત સરકારને રિપોર્ટ સોંપ્યો છે. આતંકી હુમલાની આશંકાને લઈ દરિયાઈ વિસ્તારોમાં પૅટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોએ ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળો પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.

આઇબીના ઇનપુટને લઈને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળો જેવાં કે સ્ટૅચ્યુ ઑફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતનાં યાત્રાધામ અને બૉર્ડર તથા દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમ જ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં પણ પોલીસ પૅટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારે વરસાદથી કચ્છ જળબંબાકાર, હાજીપીરમાં 192 લોકોને હેલિકૉપ્ટરથી રેસ્ક્યુ કરાયા

આ સિવાય કચ્છ ભુજ બૉર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ અલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ પૅટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

gujarat bhuj statue of unity