પાલનપુર-ગાંધીધામ ટ્રેનનાં વ્હીલ પાટી પરથી ખડી પડ્યાં

18 October, 2019 09:44 AM IST  |  ભુજ

પાલનપુર-ગાંધીધામ ટ્રેનનાં વ્હીલ પાટી પરથી ખડી પડ્યાં

ફાઈલ ફોટો

એક તરફ દિવાળીના તહેવારો નજીક આવી પહોંચ્યા છે અને કચ્છમાં સ્થાયી થયેલા કચ્છ બહારના પરિવારો પોતપોતાના વતને જવા રવાના થઈ ચૂક્યા છે ત્યારે રેલવેની બેદરકારીના કારણે આજે કચ્છમાં મોટી ટ્રેન હોનારત થતાં સહેજ માટે અટકી ગઈ હતી. પાલનપુર-ગાંધીધામ પૅસેન્જર ટ્રેનનું એન્જિન ભીમાસર રેલ યાર્ડના રેલવે- ક્રૉસિંગ ૨૨૫ પર એકાએક ખડી પડ્યું હતું.

પરોઢે ૪.૨૫ વાગ્યે ટ્રેન એકાએક ભયંકર ઝટકા સાથે ઊભી રહી જતાં ટ્રેનમાં સવાર ૭૦ પૅસેન્જરો ગભરાટના માર્યા સફાળા ઊઠી ગયા હતા. એન્જિનનાં ૮ પૈડાં ટ્રૅક પરથી ઊતરી જતાં ટ્રેન ત્યાં જ અટકી ગઈ હતી. જોકે તમામ ઉતારુઓ સહીસલામત હોવાથી અને દિવાળીના સપરમા દિવસોમાં મોટી દુર્ઘટના ટળી જવાથી હાશકારો થયો છે.

આ પણ વાંચો : મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આજે 100મા વર્ષમાં પ્રવેશ કરશે

આ દુર્ઘટનાના પગલે ટ્રૅક બ્લૉક થઈ જતાં મુંબઈથી ભુજ આવી રહેલી કચ્છ એક્સપ્રેસને સામખિયાળી, સયાજીનગરી એક્સપ્રેસને ભચાઉ અને ભુજ-બરેલી આલા હઝરત ટ્રેનને આડેસર ખાતે થોભાવી દેવાઈ હતી. બપોરના ૧૨ વાગ્યા સુધી ટ્રૅક ક્લિયર ન થતાં ચારેય ટ્રેનોના પૅસેન્જર ત્યાં જ અટવાયેલા રહ્યા હતા. સ્થાનિક રેલવે-સ્ટેશન મારફત પૅસેન્જરો માટે ચા-પાણી અને નાસ્તાની સગવડ કરાઈ હતી. અનેક પૅસેન્જરો ટ્રેનમાંથી ઊતરીને ખાનગી વાહનો મારફત ભુજ-ગાંધીધામ તરફ રવાના થઈ ગયા હતા.

gujarat gandhidham bhuj