Bhavnagar: પોલીસની રેઇડ પડતાં જુગારીઓમાં નાસભાગ થઇ ને કૂવામાં પડી જવાથી ત્રણનાં મોત

18 August, 2026 02:32 PM IST  |  Bhavnagar | Gujarati Mid-day Online Correspondent

Bhavnagar: કૂવામાં પડવાથી આ ત્રણેય યુવકોનાં મોત થયાં છે. આ કરુણાંતિકાના સમાચાર વાયુવેગે આખા પંથકમાં ફેલાયા હતા અને આખા ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રતીકાત્મક તસવીર

ભાવનગર (Bhavnagar)માં મોટી કરુણાંતિકા સર્જાઇ છે. ઘોઘા તાલુકાના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે જુગાર રમવા માટે અમૂક લોકો ભેગા થયા હતા. પણ અચાનકથી પોલીસની રેઈડ પડી હતી જેને કારણે સૌ પોતપોતાનો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. આ દોડધામમાં ત્રણ યુવકો કૂવામાં પડ્યા હતા. કૂવામાં પડવાથી આ ત્રણેય યુવકોનાં મોત થયાં છે. આ કરુણાંતિકાના સમાચાર વાયુવેગે આખા પંથકમાં ફેલાયા હતા અને આખા ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસની રેઇડ પડી ને નાસભાગ થઇ

પ્રાથમિક માહિતી અનુસાર ઉખલા ગામની એક વાડીમાં (Bhavnagar) મોડી રાત્રે લગભગ અગિયાર ૧૧ જેટલા લોકો જુગાર રમવા ભેગા થયા હતા. દરમિયાન અચાનક પોલીસની રેઈડ પડી હતી. જેમાં સૌ જુગારીઓ જીવ બચાવવા અને સંતાવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા જેમાં અફરાતફરી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઇ હતી. અંધારું હોવાને કારણે દોડતી વખતે ત્રણ યુવકો વાડીમાં આવેલા ઊંડા કૂવામાં પડી ગયા હતા. આ કરુણાંતિકા અંગે સૌને આજે સવારે જાણ થઇ હતી. આ સમગ્ર મામલાની માહિતી મળતાં જ તાબડતોબ વરતેજ પોલીસ-સ્ટેશનનો સ્ટાફ અને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી કૂવામાંથી ત્રણેય યુવકોની ડેડબોડીઝ બહાર કાઢવામાં આવી હતી.

મૃતકોમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહનો સમાવેશ થાય છે. પોલીસ (Bhavnagar) દ્વારા આ ત્રણેય મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.

જોકે આ સમગ્ર મામલા (Bhavnagar)ને લઈને પરિવારજનો અને પોલીસતંત્ર બંને એકમેક પર આક્ષેપો કરી રહ્યા છે. મૃતકોના સગા-સંબંધિઓએ પોલીસતંત્ર પર ગંભીર આક્ષેપ લગાડ્યો હતો કે વાડીની અંદર જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો અને તે સમયે પોલીસ દ્વારા અચાનક રેઈડ પાડવામાં આવી હતી. પોલીસ કાર્યવાહીથી બચવા અને પકડાઈ જવાના ડરે ત્યાં ભેગાં થયેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અંધારામાં કૂવો ન દેખાતાં ત્રણ યુવકો કૂવામાં પડી ગયા હતા. તો બીજી તરફ, વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ આક્ષેપોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. પોલીસનું કહેવું છે કે આવી કોઈ રેઇડ પાડવામાં આવી જ નહોતી અને કોઈ પણ પોલીસ ટીમ ત્યાં ગઈ નહોતી. ફક્ત જ્યારે સવારના પહોરમાં કૂવામાં મૃતદેહ હોવાની માહિતી મળી હતી ત્યારે જ પોલીસ ટીમ તપાસ માટે ગઈ હતી, એ પહેલાં રાત્રે પોલીસ ગઈ જ નહોતી.

આમ ફેમિલી અને પોલીસ બંનેના નિવેદનમાં સર્જાયેલા આ વિરોધાભાસને (Bhavnagar) કારણે અનેક સવાલો ઊભા થયા છે. મોડી રાત્રે વાડી વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકો કેમ એકઠા થયા હતા અને ખરેખર કયા કારણોસર ભાગદોડ મચી હતી તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

gujarat news gujarat Gujarat Crime gujarat police Crime News bhavnagar