અમદાવાદની શાળાએ વાલીઓને કહ્યું, વધુ ફી ચુકવવા રહો તૈયાર

02 April, 2019 09:50 AM IST  |  અમદાવાદ

અમદાવાદની શાળાએ વાલીઓને કહ્યું, વધુ ફી ચુકવવા રહો તૈયાર

ઉદ્ગમ સ્કૂલ કરવા માંગે છે ફીમાં વધારો

અમદાવાદની ઉદ્ગમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતાનો અંત આવતો નથી જણાઈ રહ્યો. તાજેતરમાં જ સ્કૂલે વાલીઓને મેઈલ કરીને ફી વધારા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ફી નિયમન સમિતિ મંજૂર કરશે તો ફીમાં 5 ટકાનો વધારો થઈ શકે છે. સમિતિ પહેલા જ દર વર્ષ કરવામાં આવતા 5 ટકા વધારાને મંજૂરી આપી ચુકી છે.

વાલીઓને કરવામાં આવ્યો મેઈલ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, સ્કૂલે વાલીઓને 2 દિવસ પહેલા ઈ-મેઈલ કર્યો હતો. જેમાં લખ્યું છે કે, 'ફી નિયમન સમિતિએ દર વર્ષે કરવામાં આવતા ફી વધારા માટે 5 ટકાનો વધારો મંજૂર કર્યો છે. ઉદ્ગમ સ્કૂલ સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ માટે જાણીતી છે. સાથે જ સતત વધતા જતા ખર્ચના કારણે અમારો ખર્ચે એ 5 ટકા કરતા વધી જાય છે. અમે ફી નિયમન સમિતિ સમક્ષ રજૂઆત કરી છે કે દર વર્ષ કરવામાં આવતા વધારા પર ફરીથી વિચાર કરવામાં આવે. આ મામલે નિર્ણય બાદમાં આવી શકે શકે. સાથે જ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે, અમને પણ ખબર નથી કે કેટલી ફી અમે લઈ શકીએ છે.'

'વધુ 5% ના વધારા માટે રહો તૈયાર'
વધુમાં મેઈલમાં લખવામાં આવ્યું છે કે, "વાલીઓએ કોઈપણ શાળા વધુમાં વધુ કેટલી ફી લઈ શકે તે જાણવાની જરૂર છે. શાળાના મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે અમે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફી ચાર ક્વાર્ટરમાં લઈશું. અને જો વધારે મંજૂર થાય તો તેનો ચેક અલગથી લેવામાં આવશે. એ તમારા પર છે કે તમે એ વધારાનો ચેક પહેલા આપી દો છો કે નહીં. પરંતુ તો સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે તો તમારે તે આપવા માટે તૈયાર રહેવું પડશે. 5 % વધારાની રકમનો ચેક તો જ જમા કરાવવામાં આવશે જો ફી નિયમન સમિતિ અથવા સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે." શાળાની ફી 55, 000 થી 72, 500 સુધી છે.


વાલીઓ કરી રહ્યા છે વિરોધ

સાતમા ધોરણના બાળકના વાલીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, "શાળાએ જે પૈસા અમને પાછા આપ્યા હતા તે ફરીથી લઈ રહી છે. બે મહિના પહેલા જ શાળાએ કહ્યું હતું કે તે વધારાના પૈસા પાછા આપશે. અમને 3, 000 રૂપિયા પાછા આપવામાં આવ્યા હતા અને હવે તેઓ 3, 600 રૂપિયા વધારાના માંગે છે. તો આવી રીતે તેઓ તેમણે આપેલા પૈસા પાછા લે છે." વધુ એક વાલી જેમનો પુત્ર છઠ્ઠા ધોરણમાં ભણે છે તેમણે કહ્યું કે, "ફી નિયમન સમિતિએ પાંચ ટકાનો વધારો મંજૂર કર્યો છે અને ઉપરથી હવે સ્કૂલ વધુ વધારો માંગી રહી છે. વાલીઓનું સાંભળવામાં નથી આવતું. ફી નિયમન સમિતિએ આ મામલા પર ધ્યાન આપવું જોઈએ અને તેમની સામે પગલાં લેવા જોઈએ. મને આશ્ચર્ય થાય છે કે ફી નિયમને સમિતિ કેમ શાંત છે."

સ્કૂલ મેનેજમેન્ટે કર્યો બચાવ

ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે આ મામલે વાતચીત કરતા કહ્યું કે, "ફી નિયમન સમિતિએ જે 5 ટકાનો વધારો મંજૂર કર્યો છે તેનો કોઈ મતલબ નથી, જ્યારે અમારો થતો ખર્ચ તેના કરતા વધુ છે. સાથે જ રાજ્યોની અન્ય ફી નિયમન સમિતિ 10 ટકા અને 7.5 ટકાનો વધારો મંજૂર કરે છે. જ્યારે અમદાવાદની ફી નિયમન સમિતિ પાંચ ટકાનો વધારો જ મંજૂર કરે છે. અમે તેને ઓપ્શનલ રાખ્યું છે અને મંજૂર કરવામાં આવેલી ફી કરતા વધુ પાંચ ટકાનો વધારો માંગ્યો છે. અમને ફી નિયમન સમિતિ પાસેથી જવાબ મળ્યો છે અને તેમણે અમને 2019-20 માટે નવું પ્રપોઝલ રજૂ કરવાનું કહ્યું છે."

ફી નિયમન સમિતિના ચીફ કોઓર્ડિનેટર આર સી પટેલે કહ્યું કે, "અમને ખબર છે કે વાલીઓને વધુ 5 ટકા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર હોવાથી હું આ મામલે વધુ નહીં કહી શકું."

ahmedabad gujarat supreme court