જૂનાગઢ: દલખાણીયા રેન્જ પાસેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો

13 July, 2019 06:30 PM IST  | 

જૂનાગઢ: દલખાણીયા રેન્જ પાસેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો

ફરી એકવાર સિંહનો મૃતદેહ મળી આવ્યો

ગુજરાતમાં હાલમાં જ 50 કરતા વધારે મોરના મોત મામલે ચકચાર પામી છે ત્યારે ફરી એકવાર સિંહના મોતના કારણે વન વિભાગ દોડતુ થઈ ગયું છે. જુનાગઢના દલખાણીયા રેન્જ નજીક નર સિંહનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થઈ ગયું છે. સિંહની મોત પાછળનું કારણ હજુપણ અકબંધ છે. ગુજરાતમાં સિંહોના એક પછી એક મૃત્યુ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર જૂનાગઢના દલખાણીયા રેન્જમાં નર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત સિંહની ઉંમર આશરે 6 થી 7 વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે. દલખાણીયા રેન્જની સીમમાંથી મળેલા મૃતદેહનો હવાલો મેળવી વનવિભાગે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. જો કે સિંહનું મૃત્યુ કેવી રીતે થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ થોડા સમય પહેલા જ રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સિંહો પાછળ કેટલો ખર્ચ કર્યો તેના આંકડા જાહેર કર્યા હતા આ આંકડાઓ અનુસાર સિંહોના સંવર્ધન માટે વર્ષ 2016-17, 2017-18 અને 2018-19માં અનુક્રમે 1.09, . 2.24 અને 19.83 કરોડ રૂપિયા ખર્ચ આપવામાં આવ્યા હતા. આ જ રીતે, C.S.S-પ્રોજેક્ટ એલિફન્ટ અંતર્ગત અનુક્રમે 21.20 રૂ. 24.90 અને 29.76 કરોડ રુપિયા આ જ સમયગાળામાં આપ્યા હતા. C.S.S.-પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત 342.25 કરોડ, 345 કરોડ અને 323.44 કરોડ રુપિયા છેલ્લાં ત્રણ વર્ષમાં આપ્યા હતા.

આ પણ વાંચો: જંગલમાં સિંહ બાદ હવે 50 મોરના મોત, રાષ્ટ્રીય પક્ષીના મોતથી ચકચાર

રાજ્યસભામાં જણાવવામાં આવેલા આંકડા પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે મોદી સરકારે વાઘ પાછળ સૌથી વધુ ખર્ચ કર્યો છે, જેની સરખામણીમાં સિંહોને નજરઅંદાજ કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે સરકારની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે.

gujarat lions gujarati mid-day