સુરેન્દ્રનગર-ભાવનગરના આકાશમાં તીડ દેખાતાં ખેડૂતોમાં વધી છે ચિંતા

22 May, 2020 11:02 AM IST  |  Mumbai | Agencies

સુરેન્દ્રનગર-ભાવનગરના આકાશમાં તીડ દેખાતાં ખેડૂતોમાં વધી છે ચિંતા

તીડ (ફાઇલ ફોટો)

કોરોના વચ્ચે ગુજરાતના ખેડૂતોના માથે વધુ એક સંકટ આવીને ઊભું રહ્યું છે. રણ વિસ્તારમાંથી તીડના ઝુંડે આક્રમણ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી આવી ચડેલાં તીડોએ ખેડૂતો પર ત્રાસ મચાવી દીધો છે. એક તરફ કોરોનાને કારણે ખેડૂતોને ખેતીકામ માટે મજૂરો મળી નથી રહ્યા ત્યાં હવે ખેડૂતો તીડ ભગાવવાની કામગીરીમાં લાગી ગયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા બાદ હવે તીડોએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સ્થાન જમાવ્યું છે. સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબીમાં તીડનાં ઝુંડ પહોંચી ચૂક્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તીડ પહોંચી ગયાં છે. અહીં લીંબડી તાલુકાના શિયાણી ગામની સીમમાં અસંખ્ય તીડનું ટોળું આકાશમાં ફરી રહ્યું છે, જેનો વ‌િડિયો પણ વાઇરલ થયો છે. લીંબડી તાલુકાના શિયાણીમાં તીડ દેખાતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે. લોકો સીમમાં થાળી વગાડીને બૂમો પાડી તીડ ઉડાડી રહ્યા છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નસીતપુર અને મોતીધરાઈ ગામે તીડ ત્રાટક્યાં છે.
વાડીઓમાં તીડનું ટોળું આવી ચડતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. રાત્રિના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં ઊતરી આવ્યું હતું જેથી ખેડૂતો પર મુસીબતોનાં વાદળ મંડરાયાં છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાતેક ગામમાં તીડનાં ઝુંડ દેખાયાં છે. નવા ઇશનપુર, રણમલપુર, ધણાદ, માલણિયાદ, જૂના ઇશનપુર ગામમાં તીડનો આતંક જોવા મળ્યો છે. તીડને કારણે તલ સહિતના અનેક પાકમાં ખેડૂતોને નુકસાન થાય એવી દહેશત સતાવી રહી છે ત્યારે આ જાણ થતાં જ ખેતીવાડી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડ્યા હતા અને તીડનો નાશ કરવા માટે રાત્રિ દરમ્યાન દવાનો છંટકાવ કરવા માટેનું તંત્રએ આયોજન કર્યું છે. તીડની એન્ટ્રી સૌથી પહેલાં બનાસકાંઠામાં થઈ હતી. બનાસકાંઠાના અનેક સરહદી વિસ્તારોમાં તીડોએ બે દિવસથી આક્રમણ કર્યું છે. કોરોના વચ્ચે દિયોદર પંથકમાં વધુ એક આફત આવી પહોંચી છે.

gujarat gandhinagar