અમિત શાહ પ્રોટોકૉલ બાજુએ રાખીને કાર્યકરોને મળ્યા

19 March, 2023 11:03 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય પ્રધાન ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં બૅરિકેડ્સ હટાવીને કાર્યકરોને મળ્યા અને દરદીઓનાં સગાં સાથે વાતચીત કરી

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાર્યકરોને મળ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગઈ કાલે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં પ્રોટોકૉલ બાજુએ રાખીને કાર્યકરો અને દરદીઓનાં સગાંઓને મળીને વાતચીત કરી આત્મીયતા કેળવી હતી. તેઓએ અહીં નિઃશુલ્ક આહાર કેન્દ્ર સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ કૅમ્પસમાં દરદીઓનાં સગાંઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે એ માટે નિઃશુલ્ક આહાર કેન્દ્રનો કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

તુલસી વલ્લભનિધિ દ્વારા શરૂ કરાયેલા આ ભોજન કેન્દ્રમાં બે ટાઇમ પૌષ્ટિક ભોજન મળશે. આ કાર્યક્રમ દરમ્યાન બૅરિકેડ્સ હટાવીને અમિત શાહ કાર્યકરોને ઉષ્માસભર રીતે મળ્યા હતા. આ ઉપરાંત દરદીઓનાં સગાંઓ સાથે વાતચીત કરી હતી.

અમિત શાહે નારદીપુર ગામના નવનિર્મિત શ્રી હનુમાન તળાવ ઉદ્યાનનું લોકાર્પણ સહિત વિવિધ વિકાસ કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી અસોસિયેશન દ્વારા આયોજિત ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રી કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી ૨૭૦૦થી વધુ ડેરી ઉદ્યોગકારો – સંગઠનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.

gujarat amit shah ahmedabad gandhinagar