અલ્પેશ ઠાકોરે 29 જૂને બોલાવી ટેકેદારોની બેઠક, ભાજપમાં જોડાય તેવી શક્યતા

23 June, 2019 08:01 PM IST  |  ગાંધીનગર

અલ્પેશ ઠાકોરે 29 જૂને બોલાવી ટેકેદારોની બેઠક, ભાજપમાં જોડાય તેવી શક્યતા

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર અલ્પેશ ઠાકોર ભાજપમય થાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પ્રદેશ ભાજપનુ સંગઠન પર્વ સમાપ્ત થયા બાદ અલ્પેશ ઠાકોર પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારથી સમયાંતરે અલ્પેશ ઠાકોરના ભાજપગમનની ચર્ચાઓ થતી જ રહી છે. જો કે હજી સુધી અલ્પેશે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.

લાંબા સમયથી ચાલે છે ચર્ચા

અલ્પેશ ઠાકોર કોંગ્રેસના હાથનો સાથ છોડી ચૂક્યા છે. ત્યારે પણ તેઓ ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બને તેવી ચર્ચા હતી. જો કે હજી સુધી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા નથી. ત્યારે રાજ્યસભાની ચૂંટણી અને વિધાનસભાનું બજેટ સત્ર પુરુ થાય ત્યાર બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. અલ્પેશ ઠાકોરે 29 અને 30 જૂને પોતાના ટેકેદારોની બેઠક બોલાવી છે. જેમાં ભાજપમાં જોડાવા અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે.

ભાજપ હાઈકમાન્ડ સાથે સંપર્કમાં

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર સીધા જ ભાજપના હાઈકમાન્ડ સાથે સતત સંપર્કમાં છે. જો કે ભાજપનું સંગઠન પર્વ, ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી અને બજેટ સત્ર બાદ જ અલ્પેશ ઠાકોરને ભાજપ સાથે જોડવામા આવી શકે છે. બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ 29 અને 30 જૂને બેઠક બોલાવી છે. જેમાં જીલ્લા અને તાલુકાના તેના સાથીદારો સાથે તે બેઠક કરશે. આ બેઠકમાં અલ્પેશ ભાજપમાં જોડાવા મુદ્દે ચર્ચા કરી તેમનો મત લેશે, ત્યારબાદ તે નિર્ણય પર આવે તેવી શક્યતા છે.

લોકસભામાં થયો ફાયદો

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ બેઠકો પર જીત મેળવી હતી. આ સમયે એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડવાથી ડવાથી ભાજપને ઉત્તર ગુજરાતમાં ફાયદો મળ્યો. કારણ કે, અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજનો મોટો ચહેરો મનાય છે, અને લોકસભા ચૂંટણી પૂર્વે જ તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડતા ભાજપને તેનો સીધો ફાયદો થયો છે.

gandhinagar Alpesh Thakor Gujarat BJP news