સુરતમાં તમામ ઉદ્યોગોને બંધ કરાવવામાં આવશે

05 July, 2020 02:25 PM IST  |  Mumbai | Agencies

સુરતમાં તમામ ઉદ્યોગોને બંધ કરાવવામાં આવશે

રોજેરોજ નોંધાતા કોરોનાના નવા કેસોમાં અમદાવાદની લગોલગ પહોંચી ગયેલા સુરતમાં સ્થિતિ કાબૂમાં લેવા સરકાર દોડતી થઈ ગઈ છે. સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિ તો કેટલાક દિવસોથી સુરતમાં જ રોકાયેલા છે અને કોરોના નિયંત્રણની કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે. છેલ્લા લગભગ પાંચેક દિવસથી સુરતમાં રોજ ૨૦૦થી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં કોરોના વાઇરસના કેસ છેલ્લા ૧૫ દિવસથી વધારે આવી રહ્યા છે. ગઈ કાલે રેકૉર્ડબ્રેક ૨૪૮ કેસ પૉઝિટિવ આવ્યા હતા. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. હીરા-માર્કેટ અને હીરાનાં કારખાનાંઓમાં કોરોના વકરતાં એ બંધ કરવાની નોબત આવી હતી. ગાંધીનગરથી કોરોના મૅનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય એવું જણાતાં પહેલાં જયંતી રવિ દોડ્યા, પરંતુ મામલો હાથની બહાર નીકળતો જણાતાં રાજ્યના મુખ્ય પ્રધાન રૂપાણીએ કમાન સંભાળી હતી.
રૂપાણીએ સુરતમાં ઉદ્યોગોને મામલે જણાવ્યું હતું કે ડાયમન્ડ અને ટેક્સટાઇલ ઉદ્યોગોમાં કર્ચમારીઓમા સંક્રમણનો વધારો થયો છે જેને કારણે હીરાનાં કારખાનાં અને ફૅક્ટરીઓ બંધ કરાશે. નિયમોના ઉલ્લંઘન સામે કાયદેસરનાં પગલાં લેવાશે, પરંતુ સરકાર હૉસ્પિટલ અને બેડની વ્યવસ્થા કરશે.
સુરતને કોરોનાથી બચાવવા માટે રૂપાણી આજે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને અધિકારીઓનો રસાલો લઈને સુરત પહોંચી ગયા છે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે સરકાર સુરતની સંપૂર્ણ ચિંતા એક-એક મિનિટ કરી રહી છે. સુરતમાં કોરોનાને કેમ નિયંત્રિત કરવો એના માટે સરકાર પૂરા પ્રયત્ન કરી રહી છે. સુરતની કિડની હૉસ્પિટલ અને સ્ટેમસીલ હૉસ્પિટલ ઝડપથી ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કોવિડ હૉસ્પિટલ બને. જો ભવિષ્યમાં કેસ વધે તો આપણી પાસે તૈયારી હોય એવી વ્યવસ્થા કરાશે.

national news surat