અસદુદ્દીન ઓવૈસી આજે ભરૂચ અને અમદાવાદમાં કરશે જાહેર સભાઓ

07 February, 2021 03:17 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

અસદુદ્દીન ઓવૈસી આજે ભરૂચ અને અમદાવાદમાં કરશે જાહેર સભાઓ

અસદુદ્દીન ઓવૈસી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી (AIMIM)એ સત્તાવાર રીતે એન્ટ્રી કરી છે અને પહેલી વાર ગુજરાતમાં મહાનગરપાલિકા અને પાલિકામાં ચૂંટણી લડશે. AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાતમાં પ્રથમ વાર પહેલાં ભરૂચ અને ત્યાર બાદ અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે.

AIMIMના ગુજરાતના પ્રદેશપ્રમુખ સાબીર કાબલીવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અસદુદ્દીન ઓવૈસી પહેલી વાર ગુજરાતમાં જાહેર સભાને સંબોધશે, જેમાં આજે સવારે ભરૂચમાં અને ત્યાર બાદ સાંજે અમદાવાદમાં રિવરફ્રન્ટ, પાલડી ખાતે જાહેર સભાને સંબોધશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચુંટણીમાં અમે ૨૧ ઉમેદવાર ઊભા રાખ્યા છે. આ ઉપરાંત ગોધરા અને મોડાસામાં પણ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરીશું. સમયના અભાવે અમે અમદાવાદ સિવાય બીજી મહાનગરપાલિકાઓમાં ઉમેદવાર ઊભા રાખી શક્યા નથી.

અમદાવાદમાં પહેલી વાર જાહેર સભા સંબોધવા આવી રહેલા અસદુદ્દીન ઓવૈસીને આવકારવા માટે અમદાવાદમાં કાર્યકરો દ્વારા બાઇક-રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. સીટીએમ એક્સપ્રેસ હાઇવે કૉર્નરથી લઈને સાબરમતી રિવરફ્રન્ટ સુધી બાઇક-રૅલી યોજાશે. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે મળીને AIMIM દ્વારા જાહેર સભા કરવામાં આવશે. ભરૂચમાં યોજાનારી જાહેર સભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.

gujarat shailesh nayak