ગુજરાતના વેધરમાં મોટો પલટો આવ્યો: અચાનક કમોસમી વરસાદ પડ્યો

06 March, 2020 07:42 AM IST  |  Ahmedabad

ગુજરાતના વેધરમાં મોટો પલટો આવ્યો: અચાનક કમોસમી વરસાદ પડ્યો

અમદાવાદમાં કમોસમી વરસાદ.

શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં ગુજરાતમાં એની અસર જોવા મળી રહી છે. સવારથી દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે ઠંડા પવનો પણ શરૂ થઈ ગયા છે.

દેવભૂમિ દ્વારકાના વાતાવરણની વાત કરીએ તો સવારથી વાતાવરણ ચોમાસા જેવું દેખાઈ રહ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. દ્વારકામાં કમોસમી વરસાદને કારણે વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે. આથી કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દ્વારકામાં આવેલા વરસાદથી યાત્રિકો પરેશાન થયા છે તો પદયાત્રીઓને પણ મોટી હાલાકી પડી રહી છે. રાજ્યમાં કમોસમી વાતાવરણના કારણે જીરુંનો પાક તૈયાર થયેલો હોઈ ઓચિંતા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સુરત શહેરમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે કાંઠા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. આજે સુરત શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં કાળાં ડિબાંગ વાદળો દેખાયાં હતાં.

અરવલ્લી જિલ્લામાં પણ આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. 

ahmedabad gujarat Gujarat Rains