14 June, 2022 09:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ગુજરાતમાં અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી આજે ભગવાન જગન્નાથજીની રંગેચંગે જળયાત્રા યોજાશે. કોરોનાના કારણે બે વર્ષ દરમ્યાન ભાવિકો આ જળયાત્રામાં જોડાયા નહોતા, પણ આ વખતે હજારો ભાવિકો ઉત્સાહભેર જળયાત્રામાં જોડાશે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરેથી સવારે આઠ વાગ્યે જળયાત્રા નીકળશે અને સાબરમતી નદીએ જશે. નદીએ પૂજન થશે અને ૧૦૮ કળશમાં જળ ભરીને લાવવામાં આવશે અને આ જળથી મંદિરમાં ભગવાન પર અભિષેક કરાવાશે. મંદિરમાં પૂજા-અર્ચના થશે અને ત્યારબાદ પ્રભુ મોસાળ જશે.’
તેઓએ કહ્યું હતું કે ‘દર વર્ષે જળયાત્રા તો યોજાય છે પરંતુ કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી આ જળયાત્રામાં ભાવિકો જોડાઈ શકતા નહોતા, પરંતુ બે વર્ષ પછી આ વખતે જળયાત્રામાં અંદાજે ચારથી પાંચ હજાર ભાવિકો જોડાશે.’
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે ‘આ વખતે ધામધૂમથી અને પરંપરાગત રીતે જળયાત્રા મહોત્સવ ઊજવાશે. આ જળયાત્રામાં રથ, હાથીઓ ઉપરાંત બળદગાડું પણ જોડાશે. નિશાન ડંકા, ધજા-પતાકા સાથે ભક્તસમુદાય પણ જોડાશે.’