અમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો

15 January, 2021 07:43 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અમદાવાદ- ધાબે ચડી લાઉડ સ્પીકર વગાડનારા વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય જાગરણ)

કોરોનાના નવા સ્ટ્રેનને કારણે રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવા અંગે સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. ગાઇડલાઇન્સ પ્રમાણે ઉત્તરાયણમાં ધાબે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં શહેરના ખાડિયા વિસ્તારમાં ધાબા પર જોર જોરથી લાઉડડસ્પીકર વગાડવામાં આવ્યા. આ અંગે પોલીસે બે લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પ્રતિબંધ હોવા છતાં લાઉડસ્પીકર વગાડવાના કારણસર કાર્યવાહી કરવામાં આવી.

સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સનો અમલ ન કરવામાં આવે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું હતું. ખાડિયા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે લાલાભાઈની પોળમાં આવેલા એક ધાબા પર જોર જોરથી મ્યુઝિક વાગતું હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે ધાબા પર જઇ લાઉડસ્પીકર બંધ કરાવી દીધું. પોલીસે બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી અને લાઉડસ્પીકર પણ જપ્ત કરી લીધા.

સરકાર દ્વારા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ તો ફરમાવ્યો હતો પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધાબા પર લોકોએ મ્યુઝિક સિસ્ટમ લગાવી અને ગીતો વગાડી ઉત્તરાયણ ઉજવી હતી. ધીમા અવાજે લાઉડસ્પીકર પર ગીતો-ગરબા લગાવી નાચ્યાં પણ હતા. જો કે પોલીસે ઉત્તરાયણનો તહેવાર હોવાથી આંખ અને કાન બંને બંધ રાખી દઈ જેણે મોટી માત્રામાં ઉજવણી કરી હોય તે જ લોકો સામે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં માત્ર એક જ પોલીસ સ્ટેશનમાં લાઉડસ્પીકર વગાડવાનો ગુનો નોંધાયો છે.

gujarat national news makar sankranti uttaran